અમિત પટેલ.અંબાજી
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ અંબાજી ધામમાં માઇભકતો વર્ષ દરમિયાન માં અંબા ના દર્શન કરવા આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ દિકરીના મદદે આવ્યા હતા અને તેના ઘરે રૂબરૂ જઇને પાલક માતા-પિતા યોજનામાં તે દિકરીને દર મહિને 3 હજારની સહાયનો ઓર્ડર આપતા લોકોમા અને તેના પરિવારમાં ભારે ખુશી જોવા મળી હતી. અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સાથે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. એન. વી.મેણાત હાજર રહ્યા હતાં અને ધોરણ- 10 માં અભ્યાસ કરતી પિતાની છત્રછાયા ગુમાવેલી ગરીબ દિકરીને પાલક માતા-પિતા યોજના સહાયનો લાભ આપ્યો હતો.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમા રહેતાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા અનાથ બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે. પાલક માતા-પિતા યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના 1600 ગરીબ દિકરા-દિકરીઓને સહાય અપાઇ છે તેમ બનાસકાંઠા બાળ સુરક્ષા અધિકારી ડો. એન. વી. મેણાતે જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ અને બાળ સુરક્ષા અધિકારીએ આજે બપોરે અંબાજી મૈત્રીઅંબે સોસાયટી પાસે ગરીબ પરિવારની ઝૂંપંડપટીમાં રહેતી અને નજીકમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતી દિકરી કાજલ અશોકભાઈ માજીરાણાના ઘેર જઇ સહાયનો ઓર્ડર આપ્યો હતો. કાજલના પિતા થોડા સમય પહેલાં ગુજરી જતા તેની માતાએ પુનઃલગ્ન કરતા આ દિકરી તેના દાદી પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે અને અભ્યાસ કરે છે. આ દિકરી આગળ ભણી શકે તે માટે તેના વૃદ્ધ દાદી આસપાસના લોકોના ઘરે ઘરકામ કરીને પોતાના પરિવારનું અને પાૈત્રીના અભ્યાસ માટે મજૂરી કરે છે. કયારેક આ દિકરી પણ પોતાના દાદીને મદદ કરવા ઘરકામ કરવા જાય છે ત્યારે અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા બાળ સુરક્ષા અધિકારી અને કલેકટરશ્રી સુધી રજુઆત કરવામાં આવી હતી જેના પગલે આજરોજ કલેકટરશ્રી આનંદ પટેલ અને બાળ સુરક્ષા અધિકારીએ ગરીબ દિકરીના ઘરે આવી 3000 રૂપિયાની સહાયનો ઓર્ડર આપ્યો હતો. આ પગલે હાજર લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી અને ગરીબ વૃદ્ધ દાદીની આંખો હર્ષના આંસુથી ભીની થઈ ગઈ હતી.
:- કલેકટરશ્રી આનંદ પટેલ કહ્યું કે,
રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ જિલ્લામાં નિરાધાર બાળકોની મદદ કરી છે અને આજે અંબાજી ખાતે આવી એક દિકરીને સહાય મળે તે માટે ઓર્ડર પણ આપ્યો છે.
:- ગરીબ દિકરીના સપોર્ટમાં બિલ્ડર આવ્યાં :-
પાલનપુરના બિલ્ડરશ્રી ભરતભાઇ પટેલએ આ દિકરીનો ઉચ્ચ અભ્યાસ કરવાનો ખર્ચ તથા લગ્ન સમયે કન્યાદાન કરવાં સુધીની તૈયારી દર્શાવી હતી.
:- બાળ સુરક્ષા અધિકારીએ શુ કહ્યું :-
બનાસકાંઠા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી ડો. એન. વી. મેણાતે જણાવ્યું હતું કે અમે બનાસકાંઠા જિલ્લાના ગરીબ ઘરના દિકરાઓ અને દિકરીઓ જે નિરાધાર હોય અને ઉચ્ચ અભ્યાસ કરવા માગતા હોય તેઓને સતત મદદરૂપ થઈએ છીએ અને આજે અમે અંબાજી ખાતે આવીને એક ગરીબ દિકરીને આર્થિક સહાય મળે તે માટે મદદ કરી છે .અત્યાર સુધી અમે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 1600 દિકરાઓ અને દિકરીઓની મદદ કરી છે.