Ahmedabad

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

દેશભરમાં મોં અને ગળાના કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ એટલે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(GCRI)

અમદાવાદ, સંજીવ રાજપૂત:  ૨૭ જુલાઈના દિવસને વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વમાં વધી રહેલા મોં અને ગળાના કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા, લોકોને વિવિધ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા પ્રેરિત કરવા તથા મોં અને ગળાના કેન્સરની ઉપલબ્ધ સારવાર અંગે માહિતી પૂરી પાડવામાં ઉદ્દેશ સાથે ‘વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે’ ઊજવવામાં આવે છે.

આજે વાત કરવી છે અમદાવાદમાં મેડિસિટી ખાતે આવેલી એક એવી સરકાર સંચાલિત હોસ્પિટલની જ્યાં મોં અને ગળા સહિત તમામ પ્રકારના કેન્સરની સારવાર માટે દેશભરમાંથી દર્દીઓ આવે છે અને અહીંયા સારવાર મેળવીને કેન્સરને હરાવીને ઘરે જાય છે.

અમદાવાદ સિવિલ કેમ્પસ ખાતે સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) કેન્સરના દર્દીઓ માટે આશાનું સોનેરી કિરણ બની રહી છે. ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંચાલિત આ સંસ્થા તેના ઉત્કૃષ્ટ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અત્યાધુનિક સારવાર સેવાઓ થકી છેલ્લાં ઘણા વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં કેન્સરની સારવાર માટે જાણીતું નામ બન્યું છે.

GCRI ખાતે કેન્સરનું સ્ક્રીનિંગ, સારવાર, ટેસ્ટ્સ, સર્જરી, રેડિયેશન, કીમોથેરાપી, દવાઓ તથા અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

GCRI: કેન્સર સારવારમાં અગ્રેસર નામ
અમદાવાદના સિવિલ કેમ્પસ ખાતે સ્થિત સરકાર સંચાલિત GCRI હોસ્પિટલ અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાત ટીમ દ્વારા દેશભરના દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર પૂરી પાડે છે. છેલ્લાં પાંચ વર્ષમાં 77,650 દર્દીઓએ અહીં સારવાર મેળવી, જેમાંથી 25,408 (33%) મોં અને ગળાના કેન્સરના દર્દીઓ હતા. આ આંકડો વ્યસન પ્રત્યે સામાજિક જાગૃતિની જરૂરિયાત પણ દર્શાવે છે.

અદ્યતન આરોગ્ય સેવાઓ
GCRI વિવિધ સેવાઓ દ્વારા દર્દીઓને વ્યાપક સારવાર આપે છે: સ્ક્રીનિંગ અને નિવારણ: ઓક્ટોબર 2021થી શરૂ થયેલી કેન્સર સ્ક્રીનિંગ OPD દ્વારા સરેરાશ 49,000થી વધુ લોકોએ વિનામૂલ્યે સ્ક્રીનિંગનો લાભ લીધો, જેમાં 104 કેન્સરના કેસો ઓળખાયા.

સર્જરી: દર વર્ષે  સરેરાશ 5,453 મેજર અને 6,494 માઇનર સર્જરીઓ થાય છે.

કીમોથેરાપી: વાર્ષિક સરેરાશ 48,568 સત્રો.

રેડિયોથેરાપી: 5,906 દર્દીઓને સરેરાશ દર વર્ષે સારવાર.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT): 2024માં BMT વિભાગની બેડ ક્ષમતા 4થી વધારી 11 કરવામાં આવી.

રોબોટિક રેડિયોથેરાપી: GCRI દેશની પ્રથમ અને એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલ છે, જે ‘સાયબર નાઈફ’ રોબોટ દ્વારા રેડિયો થેરાપી સારવાર પૂરી પાડે છે.

વિનામૂલ્યે સારવાર
PMJAY આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળે છે. ખાનગી હોસ્પિટલોની તુલનામાં પેઇંગ દર્દીઓ માટે પણ ખર્ચ નોંધપાત્ર રીતે ઓછો છે, જેથી કોઈ દર્દી નાણાકીય અછતને કારણે સારવારથી વંચિત રહેતું નથી.

સામુદાયિક જાગૃતિ અને નિવારણ
GCRI સમાજમાં કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા સક્રિય છે:

સ્ક્રીનીંગ કેમ્પ: દર વર્ષે 100થી વધુ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન.

HPV DNA ટેસ્ટિંગ: 2022થી સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે વિનામૂલ્યે HPV DNA ટેસ્ટિંગ શરૂ.

GCRIના નિયામક ડો. શશાંક પંડ્યા જણાવે છે, “તમાકુનું વ્યસન મોં અને ગળાના કેન્સરનું મુખ્ય કારણ છે. લોકોએ મહિને એકવાર મોંની જાત-તપાસ કરવી જોઈએ. ચાંદું, મોં ખોલવામાં તકલીફ, કાળા-સફેદ ડાઘ, ખોરાક ગળવામાં મુશ્કેલી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.”

સેટેલાઇટ સેન્ટર્સ
GCRIએ રાજ્યભરમાં સારવારની પહોંચ વધારવા સેટેલાઇટ સેન્ટર્સ સ્થાપ્યા છે:

રાજકોટ: રાજકોટ સેન્ટર ખાતે 2023થી 3 બેઠકો સાથે એમ.ડી. રેડિયેશન ઓન્કોલોજી કોર્સ શરૂ કરાયો છે.

રાજકોટ, ભાવનગર, સિદ્ધપુર સેન્ટર્સ રાજ્યભરના દર્દીઓને પોતાના નિવાસસ્થાનની નજીક જ કેન્સરની સર્વસંપન્ન (Comprehensive) સારવાર ઉપલબ્ધ થઈ શકે તે માટે ઓપરેશન, કીમોથેરાપી અને રેડિયોથેરાપીના  નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક.

અદ્યતન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

GCRI રેડિયેશન ઓન્કોલોજીમાં અગ્રેસર છે, જેમાં અદ્યતન ઉપકરણોનો સમાવેશ થાય છે:

સાઇબર નાઇફ ભારતની એકમાત્ર સરકાર સંચાલિત હોસ્પિટલમાં ઉપલબ્ધ.

અન્ય ઉપકરણો ત્રણ લિનિયર એસેલરેટર, ભાભાટ્રોન, ઇરિડિયમ યુનિટ, 4D CT સિમ્યુલેટર, ટ્રુબીમ લિનેક, ટોમોથેરાપી (₹95 કરોડના ખર્ચે).

આ ઉપકરણો ઝડપી, સચોટ અને ઓછી આડઅસર સાથે સારવાર પૂરી પાડે છે.

*સિદ્ધિઓ અને માન્યતાઓ*

PM-JAY: ભારતમાં 2જા ક્રમે શ્રેષ્ઠ સરકાર સંચાલિત સંસ્થા (લાર્જ સ્ટેટ) તરીકે સન્માન.

The Week Magazine: The Week મેગેઝિન દ્વારા 2021-2024 દરમિયાન ભારતની ટોચની 10 ઓન્કોલોજી હોસ્પિટલોમાં સ્થાન, 2024માં 9મો ક્રમ.

NIRF રેન્કિંગ 2022 (37), 2023 (41), 2024 (45), 2024માં ટોપ-50 હોસ્પિટલમાં ગુજરાતની એકમાત્ર હોસ્પિટલ.

પ્રમાણપત્રો અને ગુણવત્તા

NABH: 2021માં એન્ટ્રી-લેવલ એક્રેડિટેશન મળ્યું, 2024માં NABH 5th edition full accreditation પ્રાપ્ત કર્યું.

NABL: 2022માં તમામ લેબોરેટરીઓને માન્યતા.

NABEC: 2018થી એથિક્સ કમિટીને માન્યતા.

GCRI માત્ર કેન્સરની સારવાર જ નહિ, પરંતુ જાગૃતિ, નિવારણ અને સંશોધનમાં પણ અગ્રેસર છે. GCRI સંસ્થા તમાકુ જેવા વ્યસનો સામે લડવા અને દર્દીઓના જીવનમાં સુધારો લાવવા સતત પ્રયાસરત છે. વ્યસનમુક્તિ અને નિયમિત તપાસ દ્વારા આપણે કેન્સર સામેની લડાઈ જીતી શકીએ છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કલાતીર્થ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને કલાના સંવર્ધન માટે કાર્યરત મહાનુભાવોનું સન્માન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી…

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા નેશનલ હાઇવે પર માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી પુરજોશમાં

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા અમદાવાદ…

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *