અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદમાં નગરયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રખિયાલ વિસ્તારમાં ડૉ. આંબેડકર ગૌરવ નગર યાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ નગરયાત્રાને મુખ્યમંત્રીએ મંચ પરથી ફ્લેગ ઓફ કરાવી હતી.
મુખ્યમંત્રીએ ડોક્ટર બી. આર. આંબેડકરજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતના બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન એવા મહાપુરુષને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ નગરયાત્રામાં સામેલ નાગરિક બંધુઓ, ટેબલો પ્રસ્તુતકર્તા યુવાનો અને વિવિધ વેશભૂષામાં સજ્જ ભૂલકાઓનું અભિવાદન ઝીલ્યું હતું.
આ અવસરે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશ કુશવાહા, સાંસદ દિનેશ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.