અમદાવાદ, સંજીવ રાજપૂત: લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને મદદનીશ ચૂંટણી અધિકારીઓની બેઠક અને ચૂંટણીના સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન યોજાયું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીમાં રોકાયેલા તમામ સ્ટાફને તાલીમ આપી સજ્જ કરવા તથા પોલિંગ બુથની વ્યવસ્થાની ચકાસણી કરી કોઈ ખામી કે ત્રુટિ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે.
જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું કે, જે વિધાનસભા મતવિસ્તારમાં અગાઉની ચૂંટણીઓમાં ઓછું મતદાન થયું હોય તેવા મતદાન મથકોની મુલાકાત લઈ ક્યાં કારણોસર મતદાન ઓછું થયું, તેની સમીક્ષા હાથ ધરવી જોઈએ. ક્રિટિકલ અને વલ્નરેબલ મતદાન મથકોની વ્યવસ્થામાં વિશેષ કાળજી રાખવા પર તેમણે ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં મતદારયાદી અને મતદાન મથકની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી હશે, તો મતદાનના દિવસે ખૂબ સરળતાથી મતદાન કરાવી શકાશે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સાથે સંકલન રાખવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને નેહા ગુપ્તા સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.