અમદાવાદ:
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન – ગુજરાત (VNF) દ્વારા આગામી સમયમાં યોજાનાર “પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન – સંમેલન” ના સુચારુ આયોજનના ભાગરૂપે ગઈકાલે તારીખ 05/07/2026 ના રોજ અમદાવાદના નારણપુરા ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન (GSC બેન્ક) ખાતે એક મહત્ત્વની પૂર્વ તૈયારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી સમસ્ત વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના વિવિધ ગોળ, ટ્રસ્ટ અને મંડળોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષણવિદો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સામાજિક અગ્રણીઓનું માર્ગદર્શન અને બહેનોની પ્રેરણાદાયી રજૂઆત
કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પરથી *સંસ્થાના પ્રમુખશ્રી સંજયભાઈ પંચાલ, ટ્રસ્ટીશ્રી વીરેન્દ્રભાઈ પંચાલ અને કન્વિનરશ્રી સુનિલભાઈ પંચાલ દ્વારા આગામી સંમેલનની રૂપરેખા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ મિટિંગનું ખાસ આકર્ષણ સમાજની જાગૃત બહેનોની રજૂઆત રહી હતી. જેમાં નિલમબહેન પંચાલ (હારીજ), શ્રદ્ધાબહેન આકાશ પંચાલ, નિલમબહેન ચુનીલાલ પંચાલ, કિંજલબહેન પંચાલ, નિલેશ્વરીબહેન પંચાલ (દાહોદ) અને વર્ષાબહેન મારૂ (પોરબંદર) સહિતની અગ્રણી બહેનોએ સ્ટેજ પરથી સમાજની વર્તમાન સમસ્યાઓ પર ગહન ચિંતન રજૂ કર્યું હતું અને તેના સચોટ સમાધાન માટે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન જીગરભાઈ પંચાલ દ્વારા ખૂબ જ સુંદર અને રસપ્રદ શૈલીમાં કરવામાં આવ્યું હતું.
૨૨ નવેમ્બરે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે યોજાશે મહા-સંમેલન
શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા આગામી ૨૨/૧૧/૨૦૨૬ (રવિવાર) ના રોજ અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ગુજરાત પંચાલ લુહાર સમાજની બહેનોના ઉત્થાન અને એકતા માટે “પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ મહા-સંમેલન અંતર્ગત સમાજની શક્તિ, સંસ્કાર અને પ્રગતિની નવી ગાથા લખવા માટે નીચે મુજબના મુખ્ય ૬ મુદ્દાઓ પર વિશેષ ચિંતન અને કાર્ય કરવામાં આવશે:
1. સમાજની ઘટતી જતી જનસંખ્યા અને વિઘટિત સમાજ અંગે જાગૃતિ લાવવી.
2. બહેનોના કૌશલ્ય વિકાસ (Skill Development) માટે ખુલ્લું મંચ પૂરું પાડવું.
3. દીકરા-દીકરીઓના મોડા થતા લગ્નની સમસ્યાનું યોગ્ય નિવારણ લાવવું.
4. સમાજમાં છૂટાછેડાના વધતા જતા પ્રમાણ પર ચિંતન કરવું.
5. નાની ઉંમરે સમાજના યુવાનો માટે શિક્ષણની સાથે સાથે રોજગારની તકો ઊભી કરવી.
6. સામાજિક દેખાદેખીમાં થતા બિનજરૂરી ખર્ચાઓને અટકાવવા.
ગઈકાલની પૂર્વ તૈયારી મિટિંગની અભૂતપૂર્વ સફળતા બાદ, સંસ્થાના હોદ્દેદારોએ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા તમામ સામાજિક આગેવાનો, ઉદ્યોગકારો અને ખાસ કરીને માતૃશક્તિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને નવેમ્બર મહિનામાં યોજાનારા મુખ્ય કાર્યક્રમને પણ ઐતિહાસિક બનાવવા માટે આહ્વાન કર્યું છે.
રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ
















