વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
થોડા દિવસ પહેલાં હૈદરાબાદ ખાતે ચારમિનાર વિસ્તારમાં એક મકાનમાં ભિષણ આગ લાગી હતી અને પ્રાપ્ત માહિતી અનુસાર એ દુઃખદ ઘટના સ્થળે ૧૭ લોકોનાં મોત નિપજયા હતા જેમાં મહદઅંશે બાળકોનો સમાવેશ થાય છે.
પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૨,૫૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સેવા કથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે.
બીજી બાજુ દેશમાં ઋતુનું ચક્ર અનિયમિત બન્યું છે અને તેને કારણે દેશના વિવિધ રાજ્યોમાં વિજળી પડવાથી અને વાવાઝોડાની અસર થવાને કારણે અનેક લોકોનાં મોત થયા છે. બિહારમાં ૫ મોત થયા છે ત્યારે ઝારખંડમાં પણ ૫ મોત નિપજયા છે.
બીજી તરફ ઓરિસ્સા રાજ્યમાં ૧૦ મોત નિપજયા છે. આ રાજ્યોમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી પૂજ્ય મોરારીબાપુએ રુપિયા બે લાખની સહાય પરેષિત કરી છે જે ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા રાજયોના મૂખ્ય મંત્રી ફંડમા પહોંચાડવામાં આવશે.
એ ઉપરાંત કોડીનાર પંથકમાં બે બાળકોનાં તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા તેમના પરિવારજનોને પણ રુપિયા ૩૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.