સંપૂર્ણ સ્વદેશી બનાવટની વંદે ભારત વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાસભર ટ્રેન : કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ
ભાવનગરમા આવેલ ઇસ્કોન ફન ખાતે કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ એ વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો હતો. આ તકે શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વના અન્ય દેશોની તુલનામાં સતત વિકસી રહેલા ભારત દેશના મજબૂત અર્થતંત્ર વિશે વિગતો આપતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ એ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશોનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે જ્યારે આપણા માટે આનંદ અને ગર્વની વાત છે કે ભારતનો ગ્રોથ રેટ સતત ઉતરોતર વધી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીજીના કુશળ નેતૃત્વમાં અને દૂરંદેશી દ્રષ્ટિથી આજે ભારત વિશ્વની ચોથા નંબરની લાર્જેસ્ટ ઇકોનોમી ધરાવતો દેશ છે. 31 માર્ચ 2025 ના આંકડા મુજબ ભારતની ઇકોનોમી 331 લાખ કરોડની છે.
વર્તમાન સમયમાં ભારતની ક્ષમતા અને તાકાતનો પરિચય વિશ્વભરને મળી રહ્યો છે તેમ કહેતા ભારતના સ્વદેશી ઉત્પાદનો વિશે માહિતી આપી રેલ મંત્રીએ વંદે ભારત ટ્રેનની ખાસિયતો અંગે જાણકારી પૂરી પાડી હતી સંપૂર્ણ સ્વદેશી બનાવટની વંદે ભારત ટ્રેન એ એક વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાસભર ટ્રેન બની છે તેવું જણાવતા દેશના નાગરિકોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના દેશના મહાઅભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
વધુમાં મંત્રીશ્રી એ કહ્યું કે એક સમયે એવો હતો કે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારતનું ક્યાંય નામ ન હતું જ્યારે હવે પાછલા દસ વર્ષમાં ભારત 150 બિલિયન ડોલરના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું કાર્ય કરતો દેશ બની ગયો છે. એટલું જ નહીં પરંતુ વર્તમાન સમયમાં ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વના અન્ય દેશોની તુલનામાં અગ્રેસર છે.
વિકસિત ભારત સંવાદ અંતર્ગત ભાવનગરના ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ભાવનગરની સમસ્યાઓના નિરાકરણ અને સુવિધાઓ સંદર્ભે મંત્રી શ્રી સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. એફ.ટી.આર. સંબધિત પૂછાયેલ પક્ષણના પ્રત્યુત્તરમાં રેલમંત્રીશ્રી એ બાંહેધરી આપી હતી કે આગામી સમયમાં એફ. ટી. આર. સંબધિત કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
ભાવનગરના વિકાસ માટે આગામી સમયમાં કન્ટેનર પોર્ટ બનાવવાની જાહેરાત પણ રેલમંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી. સંવાદ દરમ્યાન એસ.ટી.પી.આઈ. દ્વારા ભાવનગરમા આઈ. ટી. પાર્ક બનાવવાની માંગ કરાતા રેલમંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે સંબધિત અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી ભાવનગરને આ સુવિધા મળે તે માટે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.
યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા એ રેલ મંત્રીનો ભાવનગર સાથે રહેલો જૂનો નાતો યાદ કરીને ભાવેણા આવવા બદલ તેમનો સત્કાર સાથે આભાર વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ભાવનગરના વિકાસ અંગે સરકારના વિભિન્ન પગલાઓ વિષેની જાણકારી સાથે ભવિષ્યની નીતિ અને યોજનાઓ સંદભે જાણકારી પૂરી પાડવા વિકસિત ભારત સંવાદનું આયોજન કર્યું હોવાનું મંત્રીશ્રી એ જણાવાયું હતું.
ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ વખતોવખત ભાવનગરની રેલવે સુવિધામાં વધારો કરવા માટેની વિભિન્ન માંગોનો સ્વીકાર કરવા બદલ ભાવનગરની જનતા વતી રેલમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો તેમજ વિવિધ એસોશીએશન દ્વારા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે સર્વશ્રી ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, શ્રીમતી સેજલબેન પંડ્યા, શ્રી ગૌતમભાઈ ચૌહાણ, મેયરશ્રી ભરતભાઈ બારડ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનિષ કુમાર બંસલ, કમિશનરશ્રી એન.કે.મીણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ, જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત વેપારીઓ, મહાજન, ઉદ્યોગકારો અને પ્રબુધ્ધ નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.