ભાવનગર, તા. 25
અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના ગુજરાત એકમના સંયુક્ત સચિવ (જોઈન્ટ સેક્રેટરી) તરીકે વિષ્ણુભાઈ યાદવની નિમણુંક કરવામાં આવી છે.
વિષ્ણુભાઈ યાદવ મૂળ તળાજા તાલુકાના સરતાનપરના વતની છે, સરતાનપરના લોકો પછાત અને મજૂરી કામ કરતા લોકો છે. વિષ્ણુભાઈના માતા-પિતા ખેતીકામ કરે છે. ખેતીકામ કરતા કરતા તેમણે વિષ્ણુભાઈને ધોરણ 12 અને ગ્રેજ્યુએટ સુધી ભણાવ્યા, ત્યારે તેમના કુટુંબમાં એકપણ વ્યક્તિ ધોરણ 12 સુધી અભ્યાસ કરેલ નહોતો. ખેતી કરતા કરતા વિષ્ણુભાઈને તેમના પિતા ગણેશભાઈએ ભણાવ્યા હતા.
અભ્યાસ પૂર્ણ કરી તેઓ પ્રાઇવેટ બેંકમાં નોકરીએ લાગ્યા, ત્યારબાદ મીડિયા લાઈનમાં આવ્યા. સૌ પ્રથમ ગુજરાત ક્રાઇમ કવરેજ સાપ્તાહિક અખબારમાં પત્રકાર તરીકે જોઈન્ટ થયા હતા. તેમણે એક પત્રકાર થી તંત્રી સુધી આ અખબારમાં કામ કર્યું હતું. ત્યારબાદ આસ્થાનું કિરણ દૈનિક અખબારમાં નિવાસી તંત્રી તરીકે કામ કર્યું અને ત્યારબાદ 01/04/2013 ના રોજ તેઓએ ભાવનગર શહેરમાં પોતાનું “સુપ્રભાત સૌરાષ્ટ્ર” દૈનિક અખબાર શરુ કર્યું. ભાવનગરની સફળતા બાદ તેઓએ બોટાદ અને ગાંધીનગરની આવૃત્તિ પણ ચાલુ કરી છે. તેઓ પોતાનો “સુપ્રભાત સૌરાષ્ટ્ર પ્રકાશન” નામનો કલર પ્રિન્ટિંગ પ્રેસ ભાવનગર ખાતે ધરાવે છે. પત્રકાર તરીકેની જાણકારી અને માર્ગદર્શનના બહોળા અનુભવથી તેઓ છેલ્લા ત્રણ વર્ષ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ભાવનગર જિલ્લાના પ્રમુખ રહ્યા ત્યારબાદ એક વર્ષથી નવરચિત પત્રકાર એકતા સંગઠનના ભાવનગર જિલ્લાના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવે છે.
તળાજા તાલુકામાં સૌથી વધુ વસ્તી, વિસ્તાર અને વોટિંગ ધરાવતા સરતાનપર ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તેમના ધર્મ પત્ની હર્ષાબેન કાર્યરત છે.
સમાજમાં કરેલા સારા કાર્યોને ધ્યાને લઈ તેમજ અગાઉ અખિલ ભારતીય યુવા કોળી સમાજના મહામંત્રી તરીકેની કામગીરીને ધ્યાને લઈ અખિલ ભારતીય કોળી સમાજ – ન્યુ દિલ્હી દ્વારા ગુજરાત એકમના સંયુક્ત સચિવ (જોઈન્ટ સેક્રેટરી) તરીકે યુવા અને ઉત્સાહી એવા વિષ્ણુભાઈ ગણેશભાઈ યાદવની નિમણુંક કરવામાં આવતા કોળી સમાજના યુવાનોએ આ નિમણૂકને હોંશે હોંશે વધાવી લીધી હતી. નિમણુંક મળતા જ કોળી સમાજ દ્વારા વિષ્ણુભાઈ યાદવ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.