અમદાવાદ: ઓલિમ્પિક્સમાં ચંદ્રક વિજેતા ભાલા ફેંક ચેમ્પિયન નીરજ ચોપરાએ મહત્વાકાંક્ષી સંપર્ક કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે, જે ભારતના ટોચના એથલેટ્સને શાળાના બાળકો સાથે જોડવાનું કામ કરે છે. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે અમદાવાદમાં સંસ્કારધામ ખાતે 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
નીરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે વિવિધ પ્રકારની રમતો રમ્યા હતા અને તેમને ભાલા ફેંક (જેવલિન થ્રો)ની રમત વિશે કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તેમણે સંતુલિત આહાર, તંદુરસ્તી અને રમતગમતના મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને સંબોધન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોના સહજ જવાબો આપીને તેમનામાં રોમાંચ જગાવી દીધો હતો, તેમની વાત કહેવાની અજોડ શૈલીએ સચેત પ્રેક્ષકોમાં તેમને પ્રિય બનાવી દીધા છે.
તેમનું પ્રિય ભોજન કયું છે તેવા પ્રશ્નનો તેમણે ઉત્તર આપતા ઉપસ્થિત લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ ઉત્તરમાં તેમણે કેવી રીતે મસાલા અને તેજાનાનો ઉપયોગ કર્યા વગર વેજિટેબલ બીરિયાની બનાવવાનું અને દહીં સાથે આરોગવાનું તેમને ગમે છે તેનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આ એક આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ ભોજન છે જેમાં શાકભાજી અને કાર્બોહાઇડ્રેટ્સના યોગ્ય મિશ્રણના કારણે ખનીજતત્વો રહેલા છે.” તેમણે ઉમર્યું હતું કે, “રાંધવાથી તેમનું મન લાંબો સમય તાલીમના સત્રમાં લાગેલા થાકથી અન્ય દિશામાં વળે છે.”
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મૂળ વિચાર સાથે શરૂ કરવામાં આવેલા આ લોકસંપર્ક કાર્યક્રમ દ્વારા તમામ ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સના દરેક ખેલાડીઓને બે વર્ષના સમયગાળામાં 75 શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરાવવાનો ઉદ્દેશ છે જેથી યુવાનોને સંતુલિત આહાર માટે અને તંદુરસ્તીને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરી શકાય. આ પહેલ શિક્ષણ મંત્રાલય તેમજ યુવાના બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી રહી છે.
નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, “આદરણીય પ્રધાનમંત્રીએ જ્યારે ઓલિમ્પિક્સ પછી તેમની મહેમાનગતિ માટે અમને આમંત્રિત કર્યા ત્યારે તેમણે નવા, આરોગ્યપ્રદ અને તંદુરસ્ત ભારતની દૂરંદેશી વિશે અમારી સાથે વાત કરી હતી. મને શાળાઓની મુલાકાત લેવાની આ વિશેષ પહેલને આગળ વધારવામાં ખૂબ જ ખુશી થઇ રહી છે અને મારી પોતાની રીતે હું કેટલુંક જ્ઞાન શેર કરી રહ્યો છું જે વિદ્યાર્થીઓને વધુ રમતગમતમાં જોડાયેલા રાષ્ટ્ર તરીકેના પ્રધાનમંત્રીના સપનાંના ભારતનું નિર્માણ કરવામાં મદદ કરી શકે છે.”
તેમણે યોગ્ય આહાર, તંદુરસ્તી માટેના સાચા નિયમો અંગે સૂચનો આપ્યા હતા અને જીવનના કેટલાક મહત્વના પાઠ પણ શીખવ્યા હતા. નીરજ ચોપરાએ ફિટ ઇન્ડિયા પ્રશ્નોત્તરી વિશે પણ વાત કરી હતી. આ સૌથી મોટી રમતગમત અને તંદુરસ્તીને લગતી પ્રશ્નોત્તરી છે. તેમણે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ મને આપેલા કેટલાક પ્રશ્નોના જવાબથી અને જ્ઞાન પર તેમનું પ્રભૂત્વ જોઇને હું અચંબિત છું. યોગ્ય પ્રકારની શિસ્ત અને સમર્પણ દ્વારા તેઓ ઘણી ઊંચાઇઓ સર કરી શકાય છે.”
પ્રારંભમાં, સંસ્કારધામ એજ્યુકેશન સોસાયટી દ્વારા નીરજ ચોપરાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે સમાજ દ્વારા કરવામાં આવતા કાર્યોને બિરદવ્યા હતા અને ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે તેમના સશક્તિકરણની દિશામાં પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
આગામી બે મહિના દરમિયાન તરુણદીપ રાય (તીરંદાજી), સાર્થક ભાંભરી (એથ્લેટિક્સ), સુશીલા દેવી (જુડો), કે.સી. ગણપતિ અને વરુણ ઠક્કર (સેઇલિંગ) દેશના અન્ય ભાગોમાં શાળાઓની મુલાકાત લેશે. પેરાલિમ્પિયન્સમાંથી અવની લેખા (પેરા શૂટિંગ), ભાવના પટેલ (પેરા ટેબલ ટેનિસ) અને દેવેન્દ્ર ઝાઝરિયા (પેરા એથ્લેટિક્સ) આ પહેલમાં નેતૃત્વ સંભાળશે.