ગાંધીનગર: ગુજરાતમાં તાજેતરમાં કચ્છના મુદ્રા પોર્ટ પરથી ટેલ્કમ પાવડરની આડમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગૌરવવંતા ગુજરાતની ધરાને ડ્રગ્સનો અડ્ડો બનાવવાની મનોવૃત્તિ સાથે ઉડતું ગુજરાત કરવાના કિમીયાઓ અપનાવી રહ્યા છે. ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં નાર્કોટીક્સ ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણ સહિતની પ્રવૃતિ અટકાવવા માટે નાર્કોટીક્સસેલ દ્વારા એક ટોલ ફી નંબર 1908 શરૂ કરવામાં આવ્યો છે આ નંબર અંતર્ગત નાર્કોટીક્સને લગતી કોઈ પણ માહિતી જાહેર જનતા આ નંબર પર જણાવી શકે છે. નાર્કોટીક્સના ગુન્હાઓમાં નાસતા- ફરતા આરોપીઓની માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવશે.
નોંધનીય છે કે, નાગરીકોમાં જનજાગૃતિ ફેલાવવા તેમજ કાયદો- વ્યવસ્થા જાળવવા માટે નશાકારક પદાર્થોનું વેચાણ અટકાવવાના હેતુથી ટોલ ફ્રી નંબર 1908 શરૂ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોઈ પણ ડ્રગ્સના વેચાણ તથા ઉત્પાદનની સચોટ માહિતી આપશે તે વ્યક્તિને પુરસ્કાર આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. દેશની સાથે સાથે રાજ્યના યુવાધનને પણ આંચ ન આવે અને રાજ્યની આન બાન અને શાન યુવાઓ ભારતના ભાવિ જાળવી શકે અને તેઓ સક્ષમ બને તે ધ્યાન રાખવું પણ દરેક નાગરિકની ફરજ છે. આવો સાથે મળીએ સહભાગી બનીએ. ગુજરાતને ઉડતું પંજાબ બનતા રોકીએ. ડ્રગ્સને લાગતી ઉપયોગી જાણકારી 1908 પર કોલ કરીને આપીએ..