અમદાવાદ: રમતગમત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે, ભારતીય વાયુ સેના (IAF) દ્વારા જુલાઇ 2017માં બેંગલુરુ ખાતે એરફોર્સ સ્ટેશન જલાહાલ્લીમાં એરફોર્સ બોય્સ સ્પોર્ટ્સ સ્ક્વૉડ્રન (AFBSS)ની સ્થાપના કરવામાં આવી છે. કુસ્તી અને બોક્સિંગ રમત શાખામાં પાયાના સ્તરેથી રમતોને પ્રોત્સાહન આપવા માટે તેની સ્થાપના કરવામાં આવી છે. તે ભારતીય વાયુસેના અને ભારતીય રમતગમત સત્તામંડળ (SAI)નું સંયુક્ત સાહસ છે. આ સંયુક્ત સાહસ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના ફળરૂપે 19 જુલાઇથી 25 જુલાઇ 2021 દરમિયાન બુડાપેસ્ટ ખાતે યોજાયેલી કેડેટ્સ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા AFBSSના 16 વર્ષીય રમત તાલીમાર્થી અમન ગુલિયાએ ફ્રી-સ્ટાઇલ 48 kg શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ફ્રી-સ્ટાઇલ 48 kg ઇવેન્ટમાં દુનિયાભરમાંથી 15 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાંથી અમન ગુલિયાએ ફાઇનલ રાઉન્ડમાં USAના લ્યૂક લિલ્લેડ્હલને હરાવીને પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
12 ઓક્ટોબર 2021ના રોજ, એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના એર ઓફિસર-ઇન-ચાર્જ એડમિનિસ્ટ્રેશન અને પ્રેસિડેન્ટ એર માર્શલ વી.પી.એસ. રાણા, VSMએ અમનને સ્મૃતિ ચિહ્ન અને રૂપિયા 25,000/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર)નો ચેક એનાયત કરીને તેમણે મેળવેલી આ સિદ્ધિ બદલ તેમનું સન્માન કર્યું હતું. કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોના કારણે તેમના વિજય બાદ તાત્કાલિક સન્માન સમારંભ યોજી શકાયો નહોતો.
AFBSSનો ઉદ્દેશ ભારતીય રમતગમત સત્તામંડળની “કેચ ધેમ યંગ” નીતિના ભાગરૂપે કૌશલ્યવાન પ્રતિભાશાળી યુવાનોને આગળ ધપાવાનો છે, અને તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ઓલિમ્પિક્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે તેમને તૈયાર કરવાનો છે. વર્તમાન સમયમાં, 35 રમત તાલીમાર્થીઓ (કુસ્તીમાં 19 અને બોક્સિંગમાં 16) ભારતીય વાયુસેનાના ક્વૉલિફાઇડ NIS કોચના માર્ગદર્શન હેઠળ એરફોર્સ સ્ટેશન જલાહાલ્લીમાં તાલીમ લઇ રહ્યા છે.