અમદાવાદ: અમદાવાદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી શૈલેષભાઇ અંબારિયાએ જણાવ્યું કે, અમદાવાદ જિલ્લામાં ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૭૭૭૧ લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ ૧૭૦૨, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૩૦૩ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૭૬૬ લાભાર્થીએ લાભ મેળવ્યો છે.
એટલું જ નહીં, બેટી જન્મને વધાવવા સાથે બેટીના ભણતરને પણ પ્રોત્સાહન આપવાની નેમ સાથે ‘વ્હાલી દિકરી યોજના’નો લાભ વધુમાં વધુ લભાર્થીઓ લઇ શકે તેવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઇ રહ્યા છે.
શ્રી શૈલેષભાઇ અંબારિયાએ વધુમાં જણાવ્યું કે, આ યોજના મહિલા કલ્યાણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ પુરવાર થઇ રહી છે. રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને શિક્ષણમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અમદાવાદ જિલ્લામાં પણ આ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ મેળવે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.
‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત ૦૨ ઓગસ્ટ ૨૦૧૯ કે ત્યાર પછી જન્મેલી દીકરીઓને રૂપિયા ૧.૧૦ લાખની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૪ હજાર, ૯માં ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ૬ હજારની સહાય તેમજ ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ માટે કુલ રૂપિયા ૧ લાખ સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ કુટુંબના પહેલા ત્રણ બાળકો પૈકીની તમામ દીકરીઓને મળવા પાત્ર છે. આમ, ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દીકરીઓની ચિંતા કરી રહી છે.
‘વ્હાલી દિકરી’ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીઓએ આંગણવાડી કેન્દ્ર, સીડીપીઓ કચેરી, ગ્રામ પંચાયત તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે.