જામનગર: પવિત્ર શ્રાવણ માસમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારના આવાસ કોલોની ખાતે રહેતા ગંગા સ્વરૂપા વસંતબહેને બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસી ૧૦૧૧ શિવલિંગ બનાવી શહેરીજનો માટે દર્શનાર્થે મુક્યા હતા. જે શિવલિંગની અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા અર્ચના કરી હતી અને વસંતબહેનને વિશેષ શ્રદ્ધાભાવના બદલ અભિનંદન પાઠવી સન્માનિત કર્યા હતા.
ગુજરાતના સમસ્ત લખતરિયા પરિવારના પિતૃ મોક્ષાર્થે લખતરિયા પરિવાર દ્વારા વસંતબહેનના આંગણે શ્રાવણ માસના એક અઠવાડિયા માટે ૧૦૧૧ શિવલિંગ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શનનો જામનગર શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
આ આયોજનને સફળ બનાવવા લખતરિયા સમાજ ગુજરાત પ્રમુખશ્રી રોહિતભાઈ લખતરિયા, મહામંત્રી રાજેશભાઇ તથા રવિભાઈ લખતરિયા, સલાહકાર બોર્ડના અધ્યક્ષ મનસુખભાઈ લખતરિયા, ઉપ પ્રમુખ મહેશભાઈ, સલાહકાર બોર્ડના દિનેશભાઇ સહિત સમગ્ર ગુજરાતમાંથી લખતરિયા પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.