અમદાવાદ : અમદાવાદના મહંત પરિવારને ગોધરા હાઇવે પર ગંભીર અકસ્માત નડયો પરંતુ આબાદ બચાવ થયો હતો. ઇકો કારના ચાલકે દારૂ પીધેલી હાલતમાં રાત્રિના અંધકારમાં મંહત પરિવારની ઉભી રહેલી ઇન્ડિકા કારને પાછળથી જોરદાર ટક્કર મારી – જો કે, શ્રીકૃષ્ણભાઇ મહંત, તેમના પત્ની અને પુત્રનો આબાદ બચાવ, ઇજાને બાદ કરતાં આખો પરિવાર હેમખેમ બચ્યો. ગોધરા તાલુકા પોલીસે જીજે-3કેપી-6362 નંબરની ઇકો કારના ચાલક વિરૂધ્ધ વિધિવત્ ફરિયાદ દાખલ કરી – ગોધરા તાલુકા પોલીસે માનવીય અભિગમ સામે આવ્યો
અમદાવાદ શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષચોક પાસે પ્રેમજયોત ટાવર સામે ગોકુળ એપાર્ટમેન્ટ ખાતે રહેતો મહંત પરિવાર ગઇ મોડી રાત્રે ગોધરા વાવડી ટોલનાકાથી આગળ વેગનપુર હાઇવે રોડ પર તેમની ઇન્ડિકા કાર થોડીવાર માટે પાર્કિંગ ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરીને આરામ માટે ઉભો રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલ ઇન્ડિકા કારના ચાલકે જોરદાર રીતે મહંત પરિવારની ઇન્ડિકા કારને ટક્કર મારી હતી, જેના કારણે ઇન્ડિકા કારનો ભુક્કો બોલી ગયો હતો પરંતુ અંદર બેઠલ મહંત પરિવારના શ્રીકૃષ્ણભાઇ મહંત, તેમના પત્ની તૃપ્તીબહેન, તેમનો 11 વર્ષનો પુત્ર હરનીશ થોડી ઇજાને બાદ કરતાં બચી ગયા હતા. અમદાવાદના શ્રીકૃષ્ણભાઇ મહંતને માથામાં, તેમના પત્ની તૃપ્તીબહેન અને 11 વર્ષીય હરનીશને પણ ખભા અને શરીરના અન્ય ભાગે બેઠો માર વાગતાં ઇજા થઇ હતી…જો કે, આ ઇજાને બાદ કરતાં અમદાવાદના મહંત પરિવારનો આબાદ બચાવ થયો હતો. ગોધરા તાલુકા પોલીસ મથક દ્વારા આ સમગ્ર બનાવ અંગે વિધિવત્ ફરિયાદ દાખલ કરી ફરાર થઇ ગયેલા ઇકો કારના ચાલક વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી હવે વધુ તપાસ હાથ ધરી છે.
ચોંકાવનારી વાત એ હતી કે, પોતાની ઇકો કાર ગફલતભરી રીતે હંકારી મહંત પરિવારની ઉભી રહેલી ઇન્ડિકા કારને પાછળથી આવીને જોરદાર રીતે ટક્કર મારનાર ઇકો કારનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો..એટલું જ નહી, તેણે દારૂ પીધેલી હાલતમાં મહંત પરિવાર સાથે ગાળાગાળી કરી ગોધરાથી નજીકથી બીજા તેના બે-ચાર સાગરિત મિત્રોને બોલાવી લાવ્યો હતો અને તેઓએ મહંત પરિવારને ધાકધમકી આપી હતી. મહંત પરિવારે આ અકસ્માત અંગે પોલીસ કંટ્રોલમાં પણ જાણ કરી હતી. તેમણે ભારે સભ્યતા સાથે ગાડીને જે કંઇ નુકસાન થયુ હોય તે જેન્યુઇનલી આપી દેવા ઇકો કારના ચાલકને વિનંતી કરી હતી અને પરિવારને થયેલી ઇજાના મુદ્દે તેમણે કોઇ વળતર કે પૈસાની માંગણી પણ કરી ન હતી પરંતુ તેમછતાં ઇકો કારના ચાલક અને તેમની સાથે આવેલા માણસોએ મહંત પરિવારને ધાકધમકી આપી પૈસા બૈસા નહી મળે, થાય એ કરી લો..એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. બાદમાં મહંત પરિવારના શ્રીકૃષ્ણભાઇ મહંત ગોધરા તાલુકા પોલીસમથક પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની કાયદેસર ફરિયાદ દાખલ કરવા પ્રક્રિયા હાથ ધરી હતી. ગોધરા તાલુકા પોલીસમથકના પીએસઓ અનિલભાઇ બાબુભાઇએ મહંત પરિવારની વ્યથા સમજી આખરે વિધિવત્ ફરિયાદ દાખલ કરી સારો એવો માનવીય અભિગમ દાખવ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્ત મહંત પરિવારને જરૂરી સારવાર કે ચેક અપ માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં જવા બાબતે પોલીસ તરફથી યાદી પણ લખી આપી હતી. ગોધરા તાલુકા પોલીસે બંને ગાડીઓ પોલીસમથકે લઇ પંચનામુ કરવા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઇકો કારના ચાલકની સાથે આવેલા મહંત પરિવારને ધમકી આપનાર શખ્સોની પણ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ ગોધરા તાલુકા પોલીસમથકના પીઆઇએ પણ કેસમાં જરૂરી તપાસ હાથ ધરવા સૂચના આપી માનવીય અભિગમ દાખવ્યો હતો. બીજીબાજુ, અમદાવાદના મહંત પરિવારના આ ગંભીર અકસ્માતમાં આબાદ બચાવ થતાં તેમના અમદાવાદના અન્ય પરિવારજનોમાં ભારે રાહતની લાગણી ફેલાઇ હતી.