જામનગર: દેશની દીકરીઓ માટે આનંદના સમાચાર છે. સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણમાં સરકારના પ્રયત્નોની સાથોસાથ સંરક્ષણ મંત્રાલયે 2021-22 ના વર્ષથી છોકરીઓ માટે સૈનિક શાળામાં પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં જામનગર પાસે આવેલ સૈનિક સ્કૂલ બાલાચડી પણ આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવામા આવશે.
ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ જામનગર જિલ્લાના બાલાચડીમાં આવેલ છે. અતિ રમણીય દરિયા કિનારાના તટ પાસે આવેલ 296 એકરમાં નિર્મિત સૈનિક સ્કૂલમાં રાજ્યભરમાંથી આવતા બાળકોને સૈન્ય શિક્ષણ સાથે તૈયાર કરવામાં આવે છે જેઓ અહીંથી તાલીમબદ્ધ થયા બાદ IPS, IAS કે સૈન્યમાં કે અન્ય ઉચ્ચ જગ્યા પર વિવિધ પદ પર નિયુક્તિ મેળવી દેશ સાથે આ સૈનિક શાળાનું નામ રોશન કરતા આવી રહ્યા છે.
જામનગરથી આશરે 27 કિલોમીટર દૂર આવેલ સૈનિક સ્કૂલ બાલાચડી જેનો પ્રવેશ દ્વાર ના પહેલા પગથિયાં પરનો પ્રથમ મંત્ર છે સર્વ વિથ યુમિલિટી એટલે કે શ્રેષ્ઠતાની શોધ.. જે આ સૂત્રને સાચા અર્થમાં સાચું સાબિત કરે છે. તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ બાદ અભ્યાસ અર્થે જોડાયેલ વિદ્યાર્થીઓ માટે આ લીડર્સ ગેલેરી ખાસ મોટિવેશન બની રહે છે જ્યાં તેઓને વિવિધ માર્ગદર્શન દ્વારા માં ભારતી ના રક્ષા કાજે તૈયાર કરવામાં આવે છે. બાલચડી સ્કૂલમાં લીડર્સ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં અત્યાર સુધીમાં બાલાછડી સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીના ફોટા રાખવામાં આવ્યા છે. આ ફોટાના આધારે પાસ આઉટ વિદ્યાર્થીઓ કયા-કયા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા છે, તે અંગે માહિતી મળે છે. આ ઉપરાંત આ ગેલેરી વિદ્યાર્થીઓ માટે મોટિવેશન બની રહે છે જેના ભાગરૂપે અત્યાર સુધી આ સ્કૂલ દ્વારા 400 જેટલા યોદ્ધાઓ ભારતીય સૈન્યને આપ્યા છે અને યોદ્ધાઓ આપાવાની સાથે સાથે આ સ્કૂલ નિરાશ્રિત લોકોને આશરો પણ આપે છે. વર્ષો પહેલા પોલેન્ડના નિરાશ્રિત 1200 જેટલા બાળકોને બાલાચડી સૈનિક સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો. જે આજે પણ એક ઈતિહાસ છે.
આ સ્કૂલના મોરપીંછમાં વધુ એક ઉમેરો થતા આ સ્કૂલ હવે નવો એક ઈતિહાસ રચવા જઈ રહી છે. આ વર્ષેથી માત્ર છોકરાઓને પ્રવેશ આપનારી આ સ્કૂલમાં હવે છોકરીઓને પણ પ્રવેશ મળશે. જેથી આ સ્કૂલમાં પ્રવેશ લેનારી છોકરીઓ તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ અને માં ભારતીની સેવા કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં જોડાશે.
બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલમાં છોકરાઓની સાથે હવે છોકરીઓને પણ એડમીશન આપવામાં આવશે. સૈનિક સ્કૂલ બાલાચડીમાં આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્કૂલમાં છોકરીઓના પ્રવેશ માટે કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછી દસ જગ્યાથી વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. તેમજ છોકરીઓ માટે સ્કૂલમાં અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.સૈનિક સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ આપવામાં આવશે. જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. તેવી રીતે છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવામાં આવશે જે દેશની રક્ષા માટે તૈયાર રહેવાની ખેવના દર્શાવતી દીકરીઓ માટે ખૂબ જ આનંદિત સમાચાર છે.
દેશભરમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે છોકરીઓ પણ સૈનિકની તાલીમ લઇ અને દેશના સીમાડા પર ફરજ બજાવતી જોવા મળે તેવો સમય હવે બહુ દૂર નથી.
છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભ્યાસની સાથે, છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે. આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓ અને છોકરાઓને છઠ્ઠા ધોરણથી જ પ્રવેશ આપવામાં આવશે વગેરે માહિતી લેફટન્ટ કમાન્ડર મનુ અરોરા, વાઇસ પ્રિન્સિપાલ સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા આપવામાં આવી હતી.
પ્રથમ પગથિયાના મંત્ર બાદ બહાર નીકળતા સમયે મંત્ર મને સૈનિક સ્કૂલ માટે ગર્વ છે જે તમામ પૂર્ણ તાલીમ પામેલા વિદ્યાર્થીઓ સાથે સાથે હવે દેશની દીકરીઓ પણ ગર્વ સાથે દેશનું માથું ઊંચું કરવા માટે સજ્જ બની દેશ સેવા માટે જોડાઈ દેશનું નામ રોશન કરશે તે સમય દૂર નથી..