અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહે સંચાલન સંભાળ્યા પછી 25 મે 2021ના રોજ જોધપુર અને જૈસલમેર એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. એર માર્શલે પરિચાલનની તૈયારીઓ અને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટેના પ્રયાસો ચકાસવા માટે ફ્રન્ટલાઇન એર બેઝની મુલાકાત લીધી હતી. તેમણે જૈસલમેર ખાતે નં. 15 એર ફોર્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.
એર માર્શલને બેઝ કમાન્ડર્સ દ્વારા સ્ટેશનોના વિવિધ પરિચાલન, જાળવણી અને પ્રશાસનિક પાસાંઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે સંસ્થાગત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટેના ગતિશિલ અભિગમની જરૂરિયાતને રેખાંકિત કરી હતી અને કર્મીઓને એર ફોર્સની કિર્તીપૂર્ણ પરંપરા જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ મુલાકાત દરમિયાન, એર માર્શલે કોવિડ-19 મહામારીના વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી તૈયારીઓની પણ સ્થિતિ જાણી હતી. તેમણે મહામારીની પ્રવર્તમાન સ્થિતિ સામે જરૂરી હોય તેવા તમામ તકેદારીના પગલાં લેવા માટે અને ન્યૂ નોર્મલના માહોલમાં ઉત્સાહ તેમજ સાવચેતી સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે કર્મીઓને અનુરોધ કર્યો હતો.
એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે નં. 15 એર ફોર્સ હોસ્પિટલના ડૉક્ટરો, નર્સો અને સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી હતી. જૈસલમેરમાં સૈન્ય અને એર ફોર્સના કોવિડ-19ના દર્દીઓ માટે આ હોસ્પિટલ નોડલ સેન્ટર છે અને નાગરિકો માટે અહીં 30 બેડની સમર્પિત સુવિધા તૈયાર કરવામાં આવી છે.