અમદાવાદ: જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક વિકલાંગ ક્યારેય બની નથી. જીવનના દરેક તબક્કે મન ને મક્કમ રાખી અસામાન્ય પરિસ્થિતિઓને પણ સામાન્ય બનાવી છે.આ શબ્દો કહી રહ્યા છે કોરોના વોર રૂમમાંથી ડૉ. મોહિની દાત્રાણિયા.
શરીરના જમણા પગે પોલિયો પેરેલિસિસ હોવા છતાં છેલ્લા ૬૦ દિવસથી સિવિલની કોવિડ ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી સેવા-સુશ્રુ઼ષાનો ધોધ વહાવી રહ્યા છે.સિવિલ હોસ્પિટલના ડી-૯ વોર્ડમાં કોરોના વોર્ડ શરૂ કર્યુ ત્યારથી આજદિન સુધી ડૉ. મોહિનીએ કોરોનામાં અવિરત સેવાઓ આપી છે. આવી કપરી પરિસ્થિતિઓમાં ૬૦ દિવસથી પણ વધારે સમય જોમ-જુસ્સા સાથે ફરજ બજાવી અન્ય તબીબો માટે પ્રોત્સાહન પુરુ પાડ્યું છે.
ડૉ. મોહિની લાંબા સમયથી કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના આઈ. સી. યુ. વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે. અહીં આવતા કોરોના દર્દીઓની હાલત અતિગંભીર હોય છે. આવા સમયે અન્ય તબીબોના સહિયારા પ્રયાસથી દર્દીને શ્રેષ્ઠ અને ત્વરિત સારવાર આપી ગમે તે ભોગે બચાવવાના પ્રયત્નો કરે છે. આઈ. સી. યુ. માં દર્દીની હાલત સુધરતા તેમને સામાન્ય વોર્ડમાં મોકલવાનુ઼ કાર્ય, સામાન્ય વોર્ડમાંથી આઈ. સી. યુ.માં દર્દી આવે ત્યારે તેના અન્ય રીપોર્ટ કરાવીને તેની પીડાની ગંભીરતા નક્કી કરવું, તેના આધારે આગળની સારવાર શરૂ કરવી આ તમામ કામગીરી ડૉ. મોહિની દ્વારા કરવામાં આવી રહી છે.
દર્દી જ્યારે એકલવાયુ, હતાશા અનુભવે ત્યારે તેનું કાઉન્સેલીંગ કરવાની કામગીરી તેની સાથે સાથે દર્દીના સગાને કોરોનાગ્રસ્ત દર્દીની ફોન મારફતે જીવંત પરિસ્થિતિથી રૂબરૂ કરાવવાની કામગીરી પણ કરે છે. કોરોનાગ્રસ્ત દર્દીની સારવાર અન્ય બીમાર દર્દીઓની સારવાર કરતા ઘણીં અલગ છે. આ બિમારીમાં દર્દીનું પોતાના સગાથી અલગ રહેવું, એકલવાયું અનુભવવું તે સમગ્ર સારવારમાં નબળું પાસું છે. પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા તબીબો સારવારની સાથે દર્દીનું માનસિક કાઉન્સેલીંગ યોગ્ય રીતે કરે, તેને પ્રેમ અને હૂંફ આપે ત્યારે ખરેખર કોરોનાગ્રસ્ત દર્દીની પીડા ઓછી થઈ શકે છે તેમ ડૉ.મોહિનીએ ઉમેર્યુ હતુ.
ડૉ. મોહિની દાત્રાણિયા કહે છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવી એ એક જંગના મેદાનમાં લડત લડી રહ્યા હોઈએ તેનાથી ઓછી નથી. મે મહીનામાં જ્યારે કાળઝાળ ગરમી પડતી હતી તેવામાં પી. પી. ઈ. કીટ પહેરીને સતત ૭-૮ કલાક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી તે ખૂબ જ પડકારજનક બની રહ્યું. જે સમગ્રજીવનકાળમાં ન ભૂલાય તેવો અનુભવ રહ્યો. પી. પી.ઈ. કીટ પહેરીને શારીરિક થાક ખૂબ જ લાગતો પરંતુ મન મક્કમ હોવાના કારણે માનસિક થાક ક્યારેય અનુભવ્યો નથી.
કોરોના મહામારી દેશ પર અનાયાસે આવી પડેલી આફત છે. આવામાં પોતાની પીડા, પોતાની તકલીફ નેવે મૂકીને જનકલ્યાણ કાર્યોમાં લાગી જવું તે જ ખરી દેશ સેવા છે.આ વિચાર ધારાને જ મનમાં રાખીને હું મારી ફરજ નિભાવી રહી છું.
કોરોના ડ્યુટી દરમિયાન યોગ્ય રીતે પી. પી. કીટ પહેરવામાં આવે, પી. પી ઈ. નું ડોનિંગ અને ડોફિંગ સુવ્યવસ્થિત કરવામાં આવે, અન્ય સાવચેતી રાખવામાં આવે, પોતાની રોગપ્રતિકારક શક્તિનુ઼ ધ્યાન રાખી પૂરતો આહાર, વિટામીન લેવામાં આવે તો ચોક્કસથી કોરોનાથી સંક્રમિત થતા બચી શકાય છે તેમ ડૉ. મોહિનીએ જણાવ્યુ હતુ.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત