વલ્લભીપુર પાલિકાની ઘોર બેદરકારીનો પ્રજાને ‘કરંટ’
વલ્લભીપુર :
તાજેતરમાં પીજીવીસીએલએ વલ્લભીપુર પાલિકાની સ્ટ્રીટ લાઈટના 7 મુખ્ય કનેક્શન બિલ ન ભરવાને કારણે કટ્ટ કર્યા હતા. 12,70,000 રૂપિયાનું બાકી બિલ ન ભરવાથી કટ્ટ થયેલા કનેક્શન થોડી ઘણી રકમનો ચેક આપી પુનઃ શરૂ કરાયા હતા. ત્યારે વીજળી વપરાશમાં કરકસર કરવાને બદલે નગરપાલિકાએ ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખી ઘોર બેદરકારી દાખવતા લોકોમાં રોષ વ્યાપ્યો છે.
વલ્લભીપુર નગરપાલિકા પીજીવીસીએલનું મસમોટું બિલ ભરવામાં નિષ્ફળ રહેતા વીજળી કંપનીએ શરમ મૂકીને સ્ટ્રીટ લાઈટના 7 કનેક્શન તાજેતરમાં કાપી નાંખ્યા હતા. આથી શહેરમાં અંધારપટ્ટ છવાયો હતો. પુરી રકમનું બિલ ભરવાની આર્થિક સ્થિતિમાં ન હોવાથી પાલિકાએ પાર્ટ પેમેન્ટનો ચેક આપી કનેક્શન પૂર્વવત કરાવ્યા હતા. હાલ ઉનાળો ચાલી રહ્યો હોય દિવસ વહેલો ઉગતો હોવાથી મોડામાં મોડું સવારે 5:15 વાગ્યા બાદ સ્ટ્રીટલાઈટ બંધ થઈ જવી જોઈએ. તેના બદલે સવારે 8:30 કે ઘણીવાર ત્યાર પછી પણ સ્ટ્રીટલાઈટ ચાલુ રાખી દેવામાં આવતી હોવાનું જાગૃત નાગરિકોના ધ્યાને આવતા આ બાબતે જે તે વિભાગનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. એક તરફ પાલિકા વીજળીનું બિલ ભરવા સક્ષમ નથી ત્યારે વીજળીનો દુર્વ્યવય થઈ રહ્યો છે. આ માટે જવાબદાર કર્મચારીઓ સામે દંડનાત્મક પગલાં ભરાવવા જોઈએ એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર