અમદાવાદ: નાના ને પકડે ને મોટાને નથી પકડી શકતા આ વાતને એસીબીએ તદ્દન ખોટી સાબિત કરી દીધી છે. દોઢ લાખની લાંચ લેતા સેન્ટ્રલ GSTના એક મહિલા સહિત બે લોકો ACB ટ્રેપમાં ફસાયા છે. વેપારી સાથે સેટલમેન્ટ કરાવવા પાંચ લાખની લાંચ માંગી હતી. જો કે રકઝકના બાદ દોઢ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં સંપર્ક કર્યો હતો અને એસીબીએ આ મામલે છટકું ગોઠવીને GSTના જોઇન્ટ કમિશનર નીતુસીહ ત્રિપાઠી તેમજ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.
અમદાવાદમાં આનંદનગરમાં આવેલ સેન્ટર જીએસટીની ટીમ દ્વારા એક વેપારી પાસેથી ચોકકસ બાબતે કામમાં બેદરકારી દાખવવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માંગવામાં આવી હતી. ઓનલાઈન રીટેઈલ ફર્નિશિંગની કામ કરતા આ વેપારીનો ઈમ્પોર્ટ થતા માલમાં ઈમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ (આઈ ટી સી ) ચુકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે સીજીએસટી સુપ્રિટેન્ડટ પ્રકાસ યસવંતભાઈ રસાણીયા અને જોઈન્ટ કમિશ્નર નીતુસીહ અનીલ ત્રિપાઠીએ રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ દોઢ લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જેને લઈને જે તે વેપારીએ સ્થાનિક એસીબીની કચેરીનો સંપર્ક કર્યો હતો. આ ફરીયાદના આચરે એસીબીએ કચેરીમાં જ ટ્રેપ ગોઠવી વેપારી પાસેથી દોઢ લાખની લાંચ લેતા મહિલા જોઈન્ટ કમિશ્નર અને સીજીએસટી સુપ્રિટેન્ડટ પણ પકડાયા હતા. એસીબીની ટીમેં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.