મોડાસા ક્ષેત્રમાં 108 ગામમાં ચરણ કમલ-પાદુકા પૂજન ઉત્સવ યોજાશે.
28 ડિસેમ્બર, મોડાસા: માનવીને સાચા માર્ગ ઉપર ચાલવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપતાં 3200 થી વધુ પુસ્તકોના લેખક, રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સ્વયંને સમર્પિત કરનાર સ્વાતંત્ર્ય સેનાની, માનવ માત્રને માટે સદબુદ્ધિનો ગાયત્રી મહામંત્રને વિશ્વમાં પહોંચાડનાર પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ચરણ કમલ- પાદુકા હરિદ્વાર થી મોડાસા પહોંચી.
છેલ્લા ત્રણ વર્ષથી સ્થાપના થયેલ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મોડાસા ક્ષેત્રમાં ગામેગામ જન જન માટે શ્રેષ્ઠ જીવન માટે અથાગ પ્રયત્ન કરી રહેલ છે. જે ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. ત્યારે હરિદ્વારથી મોડાસા આવેલ આ પવિત્ર ચરણ કમલ-પાદુકા એ આ ક્ષેત્ર માટે અનમોલ- અદ્ભુત લાભ ગણાય. આ વર્ષ દરમિયાન આ ચરણ કમલ- પાદુકા મોડાસા ક્ષેત્રમાં પ્રત્યેક ગામમાં પહોંચશે. ઘેર ઘેર પૂજનનો સૌને લાભ મળશે. સાથે સાથે સ્વયં સેવકો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, વ્યસનમુક્તિ, ગર્ભ સંસ્કાર, બાળ સંસ્કાર, કન્યા-કિશોર કૌશલ્ય, યુવાનોમાં જાગૃતિ, કુરિવાજ નિવારણ, નારી જાગરણ માટે સૌને વિશેષ જાગૃતિ ઝુંબેશ તેમજ સદ્વિચારોના જ્ઞાન સાહિત્યને ગામેગામ ઘરે ઘરે જન જન સુધી પહોંચાડવામાં આવશે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધેયા શૈલજીજી અને શ્રદ્ધેય ડૉ. પ્રણવ પંડ્યાજી દ્વારા વિશેષ પૂજન આશીર્વાદ તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ તેમજ વિશ્વના અનેક ઑર્ગેનાઈઝશનો સાથે સંકળાયેલ એવા ડૉ. ચિન્મય પંડ્યાજીના વિશેષ માર્ગદર્શન સાથે મોડાસાના સ્વયં સેવકોની એક વિશેષ ટીમ શાંતિકુંજ, હરિદ્વારથી આ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી તથા વંદનીય માતા ભગવતી દેવીજીના ચરણ કમલ- પાદુકા લઈ 27 ડિસેમ્બરના સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા પહોંચી. ત્યારે આ ચરણ કમલ- પાદુકાના સ્વાગત પૂજન માટે અનેક ગાયત્રી સાધકો ઉપસ્થિત રહ્યા હતાં. વાજતે ગાજતે ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો. સૌના સ્વાસ્થ્યની સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય અંગે સરકારશ્રીના ગાઈડ લાઈન તેમજ સમય સંજોગોનુસાર ગામેગામ આ ચરણ કમલ-પાદુકા પૂજન તેમજ જનહિત માર્ગદર્શન હેતુ આગામી આયોજન કરવામાં આવશે.