પશુપાલન રાજ્ય મંત્રીશ્રીના હસ્તે જિલ્લાની ૭ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા
બે ગ્રામ સખી સંઘને રૂ. ૭ લાખના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેક અર્પણ કરાયા
અરવલ્લી મોડાસાના ભામાશા હોલ ખાતે સુશાસન સપ્તાહની ઉજવણી કરાઇ
કપિલ પટેલ દ્વારા મોડાસા
રાજ્ય સરકાર ધ્વારા આયોજીત તા. ૨૫ થી ૩૧ ડીસેમ્બર સુધી સુશાસન સપ્તાહના ઉજવણીના ભાગ રૂપે અંતિમ દિવસે ઉજવણી સમાપન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ભામાશા હોલ ખાતે પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સમરસ ગ્રામ પંચાયત માટે અનુદાન,પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ અને એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકના વિતરણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા રાજ્યની આ સરકાર ગરીબો, શોષિતો અને વંચિતોને વરેલી સરકાર છે. રાજ્યમાં છેવાડાનો કોઇ પણ નાગરિક લાભથી વંચિત ના રહે તે માટે સરકાર કટિબધ્ધ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય તમામ ગામોમાં પાકા રસ્તા, પીવાના પાણી, વીજળી સહિતની શહેરી સમક્ષ સુવિધાઓ પુરી પાડી તેમને વિકાસના સહભાગી બનાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હવે કૃષિ સાથે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારતા આર્થિક રીતે સમૃધ્ધ બન્યા છે. ગ્રામિણ પરીવાર આવાસ વિહોણો ન રહી જાય તે માટે આવાસની વિવિધ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો સખી મંડળોના માધ્યમથી મહિલાઓ પોતાનું નાણાકીય ભંડોળ ઉભુ કરી આર્થિક પગભર બની વિકાસના પંથને આગળ વધી રહી છે. તો વળી સરકાર દ્વારા ગામમાં સમરસતાનો ભાવ બની રહે તે માટે પંચાયતોની સુવિધા માટેની પુરતી ગ્રાંટ આપી ગામનો વિકાસ કરી રહ્યા છે.
સ્વ. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ દેશમાં સુશાસનનું જે દિશા આરંભી હતી તે પરીપુર્ણ થઇ રહી છે. આ પ્રસંગે અરવલીએ જિલ્લા પ્રમુખશ્રી લાલસિંહ ચૌહાણ, જિલ્લા ઉપપ્રમુખશ્રી કનુભાઇ તથા જિલ્લા ભાજપા અગ્રણી શ્રી રાજેંદ્રભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લાની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા તથા ૧૫માં નાણાંપંચ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કુલ રૂ. ૧૨૦.૯૫ લાખના ૧૨૧ વિવિધ વિકાસ લક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા રૂ ૩૨૦.૫૯ લાખના ૨૬૮ વિવિધ વિકાસ લક્ષી કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીના આવાસનું પ્રતિકાત્મક ચાવી આપી લોકાર્પણ અએ એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત સ્ટેજ પરથી કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ગ્રામ સખી મંડળ ફરેડી અને જીતપુર મોડાસાને રૂ.૭ લાખના ચેક્નું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. નરેંદ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્વેતા તિવેટીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલ્પાબેન ભાવસાર, જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી ડી.બી.દાવેરા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા