અમદાવાદ: સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે કોરોના રસીકરણ પ્રક્રિયાનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઇ ગયો છે. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬ મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કો-વિન સોફ્ટવેરમા જેનું નામાંકન થયેલુ છે તે લોકોને રસી આપવામાં આવે છે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને દિવસો ફાળવવામાં આવ્યા છે.
જેમાંથી અમદાવાદ સિવિલ સંકુલની તમામ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને રવીવારે રસીકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ દિવસોને બાદ કરતા અન્ય સમયગાળા દરમિયાન કોરોના રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ વિવિધ હોસ્પિટલમાં કુલ ૧૦ રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દરેક કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત હોય ત્યારે ૧૦૦ હેલ્થકેર વર્કરોને રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, સ્પાઇન હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો સમાવેશ થાય છે.