મોરબી: ભારત સહિત વિશ્વભરના દેશો પર્યાવરણ માટે અત્યંત ખતરનાક એવા પ્લાસ્ટીકથી છુટકારો મેળવવા પ્રયત્નશીલ છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશના નાગરિકોને પ્લાસ્ટીકના વિરોધમાં જનઆંદોલન છેડવા આહૃવાન કર્યુ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઝૂંબેશને વધુ વેગવાન બનાવવાના હેતુથી ગુજરાતના શહેરી વિકાસ વિભાગ હસ્તક કાર્યરત સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ‘‘પ્લાસ્ટીક કચરો આપો અને જીવનજરૂરી ચીજવસ્તુ લઇ જાઓ’’ આ પાયલોટ પ્રોજેક્ટનો મોરબી નગરપાલિકા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પ્રોજેક્ટ આગામી સમયમાં માણસા, કલોલ અને ચોટીલા નગરપાલિકાઓમાં શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં તબક્કાવાર રાજ્યની તમામ નગરપાલિકાઓમાં આ પ્રોજેકટનું અમલીકરણ કરવાનું આયોજન છે તેમ મિશન ડાયરેક્ટરશ્રી મિલિન્દ બાપનાએ જણાવ્યું હતું.
આ અભિગમ અંતર્ગત નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર શરૂ કરવાનો વિચાર અમલમાં મુકાયો છે. જેમાં નાગરિકો પોતાના ઘર કે દુકાનનું રિસાયકલ થઇ શકે તેવા પ્રકારનું પ્લાસ્ટિક નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર ઉપર એ કચરાને બદલે જીવન જરૂરી વસ્તુ આપવામાં આવે છે.
આ વિચારને હાલ પાયલોટ પ્રોજેક્ટ રૂપે ગુજરાતની જુદી જુદી નગરપાલિકાઓમાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી નાગરપાલિકા દ્વારા ગત તારીખ ૩૧/૦૭/૨૦૨૦ના રોજ અમલી કરાયેલ આ પ્રોજેક્ટને બોહળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં નક્કી કરેલ કલેક્શન સેન્ટર પર કચરો જમા કરવાનો રહે છે અને એ વેસ્ટના વજન પ્રમાણે ઘર વપરાશની વસ્તુ જેમ કે પ્લાસ્ટિકની ડોલ, ટબ, ખુરશી વગેરે આ વેસ્ટના બદલામાં આપવામાં
આવે છે તેમ પણ યાદીમાં વધુમાં જણાવાયું હતું.
રિપોર્ટ બાય સંજીવ રાજપૂત અમદાવાદ