ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાના પ્રારંભે આજે ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી અને જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપી હતી.સરદારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુશ શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.
ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યાં હતા.વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એ અંગે શુભેચ્છાઓ આપી હતી.આ ઉપરાંત ખોટી અફવાઓ અને ભ્રામક વાતોથી દૂર રહેવા જણાવ્યું હતું.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા શાળા સંચાલક મંડળ અને શાળાગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.