ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી જરૂરી કાર્યવાહી કરવાની સાથે ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી જ વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂધ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે પ્રકારે આયોજન કરવા ખાસ સૂચના આપી હતી.
વાહન ચાલકો સીટબેલ્ટ તેમજ હેલ્મેટ પહેરે તે તેમની જ સુરક્ષા માટે જરૂરી હોઈ તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તે જોવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં ડ્રાઇવ યોજવા સુચના આપી હતી. રોડ સેફટીની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે APMC સહિતની જગ્યાઓએ જનજાગૃતિના કાર્યક્રમો યોજવા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગને માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં આર. ટી. ઓ. ઓફિસરશ્રીએ સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.