Breaking NewsLatest

DRDO ડેર ટુ ડ્રીમ 2.0 સ્પર્ધાના વિજેતાઓને અને યુવા વૈજ્ઞાનિક પુરસ્કારોને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એનાયત કર્યા.

દિલ્હી: સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ‘ડેર ટુ ડ્રીમ 2.0’ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરીને તેમનું સન્માન કર્યું હતું. સંરક્ષણમંત્રીએ 40 વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા જેમાં 22 વ્યક્તિગત શ્રેણી અને 18 સ્ટાર્ટઅપ શ્રેણીનો સમાવેશ થાય છે. આવિષ્કાર કરનારાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેમજ દેશમાં ઉત્સાહી યુવાનોને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે તેમણે આ પ્રસંગે ‘ડેર ટુ ડ્રીમ 3.0’નો પ્રારંભ પણ કર્યો હતો.

ડેર ટુ ડ્રીમ DRDOની દેશવ્યાપી સ્પર્ધા છે જે ભારતીય શિક્ષણવિદો, વ્યક્તિગત લોકો અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી સંરક્ષણ અને એરોસ્પેસ ટેકનોલોજીઓ/પ્રણાલીઓ વિકસાવવા માટે તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી યોજવામાં આવે છે. DRDO ટેકનોલોજી વિકાસ ભંડોળ (TDF) યોજના હેઠળ વિજેતાઓના વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેમને ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડે છે.

શ્રી રાજનાથસિંહે આ પ્રસંગે વર્ષ 2019 માટેના DRDO યુવા વૈજ્ઞાનિક પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. 35 વર્ષથી ઓછી ઉંમરના સોળ DRDO વૈજ્ઞાનિકોએ પોતાના ક્ષેત્રમાં આપેલા અદભૂત યોગદાન અને તેમની તજજ્ઞતા બદલ આ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘ડેર ટુ ડ્રીમ’ અને ‘DRDO યુવા વૈજ્ઞાનિકો’ના વિજેતાઓને અભિનંદન પાઠવતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, તેઓ કંઇક નવું કરવા માંગતા દેશના યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને કટિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવિષ્કાર, ડિઝાઇન અને વિકાસના ક્ષેત્રના વિજેતાઓ યુવા માનસો પ્રેરણા આપશે અને ભવિષ્યમાં નવતર આવિષ્કારો કરશે. તેમણે કહ્યું હતું કે, ‘ડેર ટુ ડ્રીમ’ પડકાર સરકારની દૂરંદેશી અને મિશન રજૂ કરે છે અને DRDO ના આદેશને પણ રજૂ કરે છે.

સંરક્ષણમંત્રીએ મજબૂત અને આત્મનિર્ભર ‘નવા ભારત’નું નિર્માણ કરવાના સરકારના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આ સંકલ્પ માત્ર સહિયારા પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. તેમણે કોઇપણ વ્યક્તિ, સમાજ અને દેશને સફળતા પ્રાપ્ત કરવા માટે માત્ર ‘ઇચ્છા’ નહીં પરંતુ ‘પ્રયાસ’ મહત્વના હોવાનું કહ્યું હતું. ભારત અનુભવ, સંસ્કૃતિ મામલે સૌથી વધારે જૂના દેશોમાંથી એક છે અને લગભગ 60 ટકા યુવાનોની વસ્તી સાથે સૌથી યુવાન પણ છે તેમ કહીને સંરક્ષણમંત્રીએ યુવાનોને અવલોકન કરવા, શીખવા અને નવા આવિષ્કારોનું સર્જન કરવા તેમજ દેશને નવા શિખરો સુધી લઇ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વૈશ્વિક સુરક્ષાની ચિંતાઓ, સરહદના વિવાદો અને સમુદ્રી બાબતોની ચિંતાઓએ દુનિયાને સૈન્યના આધુનિકીકરણ તરફ આગળ વધવા માટે ફરજ પાડી હોવાનું ટાંકતા શ્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું હતું કે, સશસ્ત્રદળોના આધુનિકીકરણ અને કોઇપણ પડકારોનો સામનો કરવા માટે તેઓ સમર્થ બની શકે તે માટે તેમને અદ્યતન મશીનોથી સજ્જ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે યુવાનોની શક્તિને દેશ માટે આશા ગણાવી હતી અને યુવાન ઉત્સાહીઓ ‘આત્મનિર્ભર ભારત’નો ઉદ્દેશ પ્રાપ્ત કરવા માટે સરકારની મદદ કરવા માટે તેમને આહ્વાન કર્યું હતું.

સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, “નવી સ્વદેશી ટેકનોલોજીઓનો વિકાસ કરવો એ વર્તમાન સમયની માંગ છે. ‘આત્મનિર્ભર ભારત’ માટેની અમારી દૂરંદેશી અદ્યતન ટેકનોલોજીઓને સ્વદેશમાં જ વિકસાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે છે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે નહીં પરંતુ એકંદરે દેશના વિકાસને સુનિશ્ચિત કરવા માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે.”
‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીને ખૂબ જ નિર્ણાયક ગણાવતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારી વધારવા માટે સુધારાના શ્રેણીબદ્ધ પગલાં લીદા છે જેનાથી વિકાસ માટે યોગ્ય માહોલનું નિર્માણ થયું છે અને તેનાથી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનની ક્ષમતાઓને ઘણો મોટો વેગ મળ્યો છે. તેમણે આમાંથી કેટલાક પગલાંઓ ગણાવ્યા હતા જેમાં સંરક્ષણ હસ્તાંતરણ પ્રક્રિયા (DAP) 2020ની નવી શ્રેણી લાવવી; સંરક્ષણ આધુનિકીકરણ માટે ચોક્કસ બજેટની જોગવાઇ; બે સકારાત્મક સ્વદેશીકરણ યાદીઓની સૂચના; સંરક્ષણમાં FDIમાં વધારો; સંરક્ષણ ઉપકરણોમાં સ્વદેશી ડિઝાઇન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે મૂડી પ્રાપ્તિ અને ખરીદી {ભારતીય – સ્વદેશી ડિઝાઇન કરેલ, વિકસાવેલ અને વિનિર્માણ કરેલ (IDDM)}; વ્યૂહાત્મક ભાગીદારી મોડેલ દ્વારા ફાઇટર એરક્રાફ્ટ, હેલિકોપ્ટરો, ટેન્કો અને સબમરીન સહિત મેગા સંરક્ષણ કાર્યક્રમનું નિર્માણ કરવા માટેની તકો; DRDO દ્વારા ટેકનોલોજીના મુક્ત ટ્રાન્સફર (ToT) માટે તકો ખોલવી અને સંરક્ષણ ઉત્કૃષ્ટતા માટે આવિષ્કાર (iDEX) અને ટેકનોલોજી વિકાસ ભંડોળ જેવી પહેલ પણ સામેલ છે. સંરક્ષણ મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ પગલાંઓના કારણે, સંરક્ષણ ઉદ્યોગને આપવામાં આવી રહેલા કોન્ટ્રાક્ટની સંખ્યામાં વધારો થયો છે; નવા MSME અને સ્ટાર્ટઅપ્સ ઉભરી રહ્યાં છે અને વધુ રોજગારીની તકોનું સર્જન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમે માત્ર આપણી સ્થાનિક જરૂરિયાતોને પૂરી નથી કરી રહ્યાં પરંતુ અમે વિદેશોમાં ટેકનોલોજી અને ઉપકરણોની નિકાસ પણ કરી રહ્યાં છીએ.”

શ્રી રાજનાથસિંહે સંરક્ષણ વિનિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના પ્રયાસોમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવવા બદલ અને ઝડપથી બદલાઇ રહેલી ભૂ-રાજકીય સ્થિતિમાં પણ સશસ્ત્ર દલોની ક્ષમતા અને સામર્થ્યમાં વધારો કરવામાં અત્યંત સારું યોગદાન આપવા બદલ DRDOની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તાજેતરના કોન્ટ્રાક્ટ અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA), Mk-1A, મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂન Mk-1A અને મધ્યમ રેન્જની જમીનથી હવામાં નિશાન સાધી શકતી મિસાઇલ પ્રણાલીનો સમાવેશ નોંધનીય યોગદાન છે. સંરક્ષણમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, “DRDO માત્ર ટેકનોલોજીની રીતે અદ્યતન દેશોની ક્ષમતાઓ સાથે મેળ ખાવાનો પ્રયાસ કરી રહ્યું નથી, પણ નવી ટેકનોલોજીઓના નવીનીકરણમાં પણ સમાન રીતે રોકાયેું છે. DRDOના નવી પેઢીના કાર્યક્રમો ભવિષ્યમાં પણ આપણા સશસ્ત્ર દળોને અપગ્રેડ કરશે.”

સંરક્ષણમંત્રીએ નેનો ટેકનોલોજી, ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માનવરહિત અને રોબોટિક ટેકનોલોજી જેવી ભાવિ ટેકનોલોજીમાં કામ કરવા બદલ DRDOના યુવા વૈજ્ઞાનિકોની લેબ અને એડવાન્સ ટેકનોલોજી કેન્દ્રોની પ્રશંસા કરી. તેને ‘નવા ભારત’નું નવું પરિમાણ ગણાવતા, સંરક્ષણમંત્રીએ આવી ભવિષ્યની ટેકનોલોજીમાં સંશોધન અને વિકાસના પ્રયાસો વધારવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે સશસ્ત્ર દળોના કર્મચારીઓ અને નાગરિકો બંને માટે ફાયદાકારક બની શકે છે તેવી દ્વિ ઉપયોગ ટેકનોલોજીઓ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સશસ્ત્ર દળોને અત્યાધુનિક સાધનો પૂરા પાડવા માટે તમામ હિસ્સેદારોને સંશોધન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ‘આનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં દેશની ઓળખ પ્રસ્થાપિત કરવામાં અને ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’ની દૂરંદેશી પ્રાપ્ત કરવામાં મદદ મળી શકશે.’

શ્રી રાજનાથસિંહે ઉદ્યોગજગતના પ્રતિનિધિઓને સરકારની નીતિઓનો સંપૂર્ણ લાભ લેવા માટે અને DRDO તેમજ અન્ય સરકારી એજન્સીઓ સાથે ઓર્ગેનિક તાલમેલ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. DRDOમાંથી ટેકનોલોજીનું હસ્તાંતરણ કરવાથી તેનું ફળ મળી રહ્યું હોવાનું જણાવીને તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં ઉદ્યોગો પોતાની રીતે R&D પ્રણાલીઓ વિકસાવશે.

બીબાઢાળ પદ્ધતિઓમાં કામ કરવાની શૈલી અંગે ચેતવતા અને ખર્ચ તેમજ સમય વધુ પડતો લાગી રહ્યા હોય તેવી પરિયોજનાઓને ઓળખી કાઢવા પર વિશેષ ભાર મૂકતા તેમજ આવી પરિયોજનાઓને નિર્ધારિત સમયમાં અસરકારક રીતે ડિલિવર કરવા પર ભાર મૂકતા સંરક્ષણમંત્રીએ શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને DRDO વચ્ચેનું જોડાણ વધારે મજબૂત કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ સહયોગથી એકંદરે વિકાસ સુનિશ્ચિત થશે.

આ પ્રસંગે DRDO દ્વારા સ્વદેશમાં વિકસાવવામાં ત્રણ ઉત્પાદનો/પ્રણાલીઓ સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યા હતા જેમાં સામેલ છે:
ARINC818 વીડિયો પ્રોસેસિંગ અને સ્વિચિંગ મોડ્યૂલ: આ મોડ્યૂલ ભારતીય વાયુસેના માટે વિકસાવવામાં આવ્યું છે જે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સંદીપસિંહને સોંપવામાં આવ્યું હતું. તે અત્યાધુનિક મોડ્યૂલ છે જેમાં ઉચ્ચ બેન્ડવિથ, ઓછો વિલંબ, ચેનલ બોન્ડિંગ, સરળ નેટવર્કિંગ છે અને તેનાથી 5મી પેઢીના એરક્રાફ્ટ વિકાસના કાર્યક્રમો હાથ ધરી શકાશે. સોનાર પરફોર્મન્સ મોડેલિંગ પ્રણાલી: ભારતીય નૌસેના માટે વિકસાવવામાં આવેલી આ પ્રણાલી વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ સતિષ નામદેવ ઘોરમાડેને સોંપવામાં આવી હતી. તે ભારતીય નૌસેનાના જહાજો, સબમરીનો અને પાણીની અંદર દેખરેખના સ્ટેશનો વગેરે માટે ઉપયોગી છે. બન્ડ બ્લાસ્ટિંગ ઉપકરણ Mk-II: આ ઉપકરણ ભારતીય સૈન્ય માટે વિકસાવવામાં આવ્યું છે જેને વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતેને સોંપવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ ડીચ-કમ-બન્ડ અવરોધોની ઊંચાઇ ઓછી કરવા માટે થાય છે જેથી યુદ્ધના સમય દરમિયાન યાંત્રિક પાયદળના પરિવહનમાં વધારો કરી શકાય.

સાઇબર સુરક્ષામાં નિર્દેશિત સંશોધન હાથ ધરવા માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે અદ્યતન ટેકનોલોજી કેન્દ્ર ‘સરદાર વલ્લભભાઇ પટેલ સેન્ટર ફોર સાઇબર સિક્યુરિટી રિસર્ચ’ની સ્થાપના કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. એચ.એ. પંડ્યા અને સંરક્ષણ વિભાગ સંશોધન અને વિકાસના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડી વચ્ચે પણ આ દરમિયાન સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શ્રી રાજનાથ સિંહે DRDO ના બે નીતિ દસ્તાવેજો પણ બહાર પાડ્યા હતા જેમાં – નિર્દેશિત સંશોધન નીતિ અને રેકોર્ડ્સ વ્યવસ્થાપન નીતિ 2021 છે. નિર્દેશિત સંશોધન નીતિ ભવિષ્યની દેખરેખ અને રક્ષણાત્મક તેમજ આક્રમક ક્ષમતાઓ જેવા ઓળખાયેલા વિષયો પર કેન્દ્રિત સંશોધન માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અદ્યતન ટેકનોલોજી કેન્દ્રો અને સંશોધન કોષોની સ્થાપના માટે માળખું પૂરું પાડે છે. તાજેતરમાં સરકાર દ્વારા તાજેતરમાં ‘લાંબા ગાળાની નિર્દેશિત સંશોધન નીતિ’ને માન્યતા આપવામાં આવી છે. શિક્ષણ સંસ્થાઓ સાથે મળીને પરિણામ અને એપ્લિકેશન લક્ષિત નિર્દેશિત સંશોધનને સહકાર આપવા અને તેને વેગ પ્રદાન કરવા માટે આ માન્યતા આપવામાં આવી છે. રેકોર્ડ્સ વ્યવસ્થાપ નીતિનો ઉદ્દેશ DRDOની રેકોર્ડ્સ વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓને વધારે મજબૂત કરવાનો છે. 03 ઓક્ટોબર, 2021 થી શરૂ થયેલા બે દિવસીય DRDO નિદેશક સંમેલન 2021 નું સમાપન થયું હતું. આ સંમેલનની થીમ ‘રાષ્ટ્રીય આકાંક્ષાઓને પહોંચી વળવા માટેની પ્રક્રિયાઓને ફરીથી ડિઝાઇન કરવી’ રાખવામાં આવી છે..

DRDO ના ચેરમેન ડૉય જી. સતીષ રેડ્ડીએ પોતાના સંબોધનમાં, DRDOએ તાજેતરમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો અને અદ્યતન ટેકનોલોજીના ઝડપી વિકાસ તેમજ ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓને સાથે કામ કરવામાં સરળતા રહે તેવું વ્યવસ્થાતંત્ર વિકસાવવા પર ભાર મૂક્યો. તેમણે તમામ પુરસ્કાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ નાગરિકો અને સૈન્યના અધિકારીઓ તેમજ ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 671

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *