જામનગર: જામનગરના INS વાલસુરા ખાતે ભારે ઉત્સાહ સાથે 01 સપ્ટેમ્બર 2020થી 14 સપ્ટેમ્બર 2020 દરમિયાન હિન્દી પખવાડિયુ ઉજવણી -2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન આ યુનિટ દ્વારા, વિવિધ રસપ્રદ અને માહિતીપ્રદ સ્પર્ધાઓ જેમકે, હિન્દી પોસ્ટર બનાવવા, હિન્દી નિબંધ લેખન, હિન્દી શ્રુતલેખન, હિન્દી અભિવ્યક્તિ અને હિન્દી ચર્ચાસ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું.
હિન્દી લાઇઝન ઓફિસરના આવકાર સંબોધન સાથે આ હિન્દી પખવાડિયાની ઉજવણીનો સમાપન કાર્યક્રમ શરૂ થયો હતો. આ પખવાડિયા દરમિયાન યોજવામાં આવેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓનું કમાન્ડિંગ ઓફિસર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં, આંતર વિભાગીય સત્તાવાર ભાષા ટ્રોફી પુરસ્કાર દર વર્ષે શ્રેષ્ઠ સત્તાવાર ભાષા અનુપાલન માટે એનાયત કરવામાં આવે છે જે આ વર્ષે અહીંના ‘મેડિકલ વિભાગ’ને એનાયત કરવામાં આવ્યો હતો. કમાન્ડિંગ ઓફિસરે આ યુનિટની ઇન્ટ્રાનેટ દ્વિભાષીય વેબસાઇટનો પ્રારંભ કર્યો હતો અને યુનિટના વાર્ષિક હિન્દી સામયિક ‘વલતરંગ’નું વિમોચન કર્યું હતું.
સમાપન કાર્યક્રમ દરમિયાન, આ યુનિટના તાલીમાર્થીઓએ હિન્દી કવિતાઓ અને પ્રસંગકથાઓનું વાંચન કર્યું હતું અને ટૂંકું નાટક પણ ભજવ્યું હતું. કમાન્ડિંગ ઓફિસરે તેમના સંબોધન દરમિયાન, સત્તાવાર ભાષા યુનિટના પ્રયાસોને બિરદાવ્યા હતા અને યુનિટના તમામ લોકોને તેમના દૈનિક કામકાજોમાં હિન્દી ભાષાનો ઉપયોગ વધારવા માટે અનુરોધ કર્યો હતો.