Breaking NewsGandhinagarGujarat

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે,વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સનો ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી શાહે કહ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ ૫૦થી વધુ પરિવર્તનકારી નિર્ણયો કર્યા છે.તેમણે કહ્યું કે,ભારતીય ક્રિમીનલ જસ્ટીસ હવે નવા યુગમાં પ્રવેશી છે. બ્રિટિશ કાળના ૧૫૦ વર્ષ જૂના આઇ.પી.સી., સી.આર.પી.સી. અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદા અમલી બનાવ્યા છે. જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતાં તો રોકશે જ,તેની સાથોસાથ સજામાં પણ વધારો કરશે. એટલુ જ નહિ, ફોરેન્સિકના માધ્યમ દ્વારા ગુનાની તપાસમાં પણ વધુ ઝડપ આવશે અને કન્વીક્શન રેટમાં નોંધપાત્ર વધારો થશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે આજે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ’ અને ‘બિહેવિયરલ ફોરેન્સિક્સ’ વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહ દ્વારા ‘પાંચમું ઈન્ટરનેશનલ અને ૪૪મા ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ-ઓફ -ધ-આર્ટ સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક્સ’નો શુભારંભ પણ કરાયો હતો.

કેન્દ્રીય મંત્રીશ્રી શાહે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ અમલી બનાવી છે. જે પૂર્ણ રીતે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આધાર પર વૈશ્વિક સ્તરની બની છે. ગુનાઓના સંશોધનો–તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે. આગામી પાંચ વર્ષ પછી પ્રતિ વર્ષ ૯૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે.

તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જેને વર્ષ ૨૦૨૦માં રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપીને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બનાવી એ આજે વટવૃક્ષ બની છે. દેશમાં હાલ નવ જગ્યાએ અને એક યુગાન્ડા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેન્દ્રો કાર્યરત છે અને આગામી સમયમાં ૯ રાજ્યોમાં નવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે.
ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં આ ક્ષેત્રે ટેકનોલોજીયુક્ત આધુનિક પોલીસિંગ, ટેકનોલોજીનો ઉપયોગ હાઈબ્રીડ અને મલ્ટી ડાયમેન્શનલ થ્રેટ તેમજ ક્રિમિનલ જસ્ટિસને વિશ્વની આધુનિક વ્યવસ્થા બનાવવી આમ ચાર પડકારો આપણી સામે છે. સૌને ઝડપી ન્યાય મળે તે અતિ આવશ્યક છે. તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. પૂ. કનૈયાલાલ મુનશી કહેતા હતા કે, પોલીસે ગુનેગારથી બે પગલાં આગળ ચાલવું પડશે પણ અત્યારે આપણે ગુનેગારોથી બે જનરેશન આગળ રહેવું પડશે તો જ ગુના અટકાવી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી દરેક વ્યક્તિ દેશને મદદરૂપ થઇ શકે તેવુ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે અંગ્રેજો વખતના ૧૫૦ વર્ષ આઇ.પી.સી. સી.આર.પી.સી અને તે વખતના પુરાવા અધિનિયમ કાયદાઓ બદલીને આપણે નાગરિકોને દંડ નહીં પણ ન્યાય અપાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા બિલ એમ ત્રણ નવા કાયદા અમલી બનાવ્યા છે.

આ કાયદામાં સૌથી પહેલા મહિલાઓ અને બાળકોના સામે થતાં અપરાધ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ કાયદામાં ૧૦૦ વર્ષમાં આવનાર ટેકનોલોજીને ધ્યાને લઇને તેમાં ફેરફાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ન્યાય પ્રણાલી વધુ મજબૂત બનશે અને ત્રણ વર્ષમાં પડતર FIRનો ઉકેલ આવશે. અત્યારે ઇ-ગવાહીના પરિણામે તેઓના ઉકેલ લાવવામાં ખૂબ ઝડપ આવી છે. આ ત્રણ કાયદામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થવાનો છે જેનો અભ્યાસ તમને આ ક્ષેત્રે ભરપૂર નવીન તકો ઉપલબ્ધ કરાવશે.

આ ઉપરાંત એ.આઇ.ની મદદથી ડેટા ઇન્ટિગ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં દેશમાં અંદાજે આઠ કરોડ FIR ઓનલાઇન નોંધાઇ છે.

પર્વતીય વિસ્તારના સ્થાનને બાદ કરતાં તમામ પોલીસ સ્ટેશન ઓનલાઇન જોડવામાં આવ્યા છે. ગુનેગારો, બાળ તસ્કરો, આતંકવાદી સંગઠનોના ડેટાને ઓનલાઇન કરવામાં આવ્યા છે. આ માટે એક સોફ્ટવેર તૈયાર કરીને AIની મદદથી તમામ ડેટાનું એનાલીસીસ કરવામાં આવશે. આ વ્યવસ્થા આગામી ત્રણ વર્ષમાં કાર્યરત કરવાનું આયોજન છે. આ વન ડેટા વન એન્ટ્રીના સિદ્ધાંત પર કામ કરવા નવા સોફ્ટવેર તૈયાર કરવા પડશે. જેમાં NFSUના વિદ્યાર્થીઓની મહત્વની ભૂમિકા મહત્વની રહેશે.

તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ ક્ષેત્રે ભારતને નંબર-૧ના સ્થાને લઇ જવાનો નિર્ધાર કર્યો છે. તેમાં NFSUને પણ નંબર-૧ની વૈશ્વિક સંસ્થા બનાવવા સૌ વિદ્યાર્થીઓને અનુરોધ કરીને વધુને વધુ સંશોધન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યના કાયદો અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ” અને “બિહેવીરીયલ ફોરેન્સિક કોન્ફરન્સને” આવકારતા જણાવ્યુ હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં વિશ્વના કોઈપણ ખૂણેથી ગુનેગારો ગુનો કરતા થયા છે ત્યારે લોકોને વધુને વધુ સુરક્ષિત કરવા આજની આ કોન્ફરન્સ મહત્વની પુરવાર થશે.

તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતની આંતરિક સુરક્ષાને સાયબર સિકયુરીટીના માધ્યમ દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી દેશને સશકત સુરક્ષા આપી છે જેનુ ઉત્તમ ઉદાહરણ રામમંદિરના ઉદધાટન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં સાયબર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ કોન્ફરન્સમાં નિષ્ણાંત તજજ્ઞો દ્વારા જે મનોમંથન થશે એના પરિણામે ગુનેગારો ગુનો કરતાં જ ચેતી જશે. આ ઉપરાંત ટેકનોલોજીના માધ્યમથી કન્વીકશન રેટ વધે તેવા પ્રયાસો પણ કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બીહેવીયર સાયન્સ સાથે ફોરેન્સીક સાયન્સ સાથે મળીને કામગીરી કરશે તો ચોકકસ ગુનેગારો ગુનો કરતા જ વિચારશે એ માટે આ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ત્યારે ટેકનોલોજી અને સાયન્ટીસ્ટોને એકબીજાના પૂરક બનીને કામ કરીને વધુ ને વધુ સલામત ભારત બને એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

ન્યાયમૂર્તિ અને NHRCના અધ્યક્ષ શ્રી અરૂણ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, માનવ અધિકારોના સંરક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ અને બિહેરવીરીયલ ફોરેન્સિક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુનાઓ અટકાવવા માટે ડીએનએનો અભ્યાસ જરૂરી છે તેમાં આજની આ બિહેવીએરલ કોન્ફરન્સ ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત વિવિધ રીતે ગુનાઓ કરતા ગુનેગારોને ગુનાખોરી છોડાવી સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કરવા સંશોધન કરવા જરૂરી છે. વૈશ્વિક કલ્યાણ માટે કાર્યરત ભારતમાં તાજેતરમાં પસાર થયેલા ત્રણ કાયદા તમામને ન્યાય-અધિકારો અપાવશે તેવો પણ આ પ્રસંગે શ્રી મિશ્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઈન્ડિયન ક્રિમીનોલોજીસ્ટ સોસાયટીના ચેરમેન ડૉ.પૂર્વી પોખરિયાલ સ્વાગત પ્રવચનમાં આ ત્રિદિવસીય કોન્ફરન્સની વિગતો આપતા જણાવ્યું હતું કે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને ઈન્ડિયા સોસાયટી ઓફ ક્રિમિનોલોજી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW), રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ માટે (NCPCR) અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC)ના સહયોગથી “બિહેવિયરલ ફોરેન્સિક્સ-રીઇન્ટિગ્રેટિંગ એક્સાન્ડિંગ કોન્ટર્સ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સ” વિષય આધારિત પાંચમી આંતરરાષ્ટ્રીય અને ૪૪મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 600થી વધુ પ્રતિનિધીઓ સહભાગી બનીને વિચારોનું આદાન પ્રદાન કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે જર્નલ ઓફ ક્રિમિનલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સનું વિમોચન કરાયું હતું. સાથોસાથ NFSUના કુલપતિ ડો. જે.એમ.વ્યાસની 50 વર્ષની સફર દરમિયાન જે કાર્યો થયા છે, તેના ઉપર વિવિધ તજજ્ઞોએ લખેલા લેખોના બે વોલ્યુમનું વિમોચન થયું હતું. ડૉ. જે.એમ.વ્યાસને તેમની સફળ સેવા બદલ પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય ભલ્લા, રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી પ્રિયંક કાનૂન્ગો દેશભરના ન્યાયાધીશો, કાનૂની અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ક્રિમિનોલોજિસ્ટ્સ, વિદ્વાનો, રાજ્ય અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSL), જેલ વિભાગ, NCRB, BSF જેવી વિવિધ સરકારી એજન્સીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 352

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *