ગેરરીતિ બદલ દુકાનદારો પાસેથી કુલ રૂ. ૩૯૩૭૧/- જેટલી રકમનો દંડ વસુલ કરાયો
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ ઘ્વારા ગોઘરા શહેર ખાતે દુકાનદાર જમીલ એ.દડી સંચાલિત વ્યાજબી ભાવની દુકાન તેમજ હાલોલ ખાતે દુકાનદાર વિનયકુમાર ચીમનલાલ મકવાણા સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમ્યાન દુકાનોમાં ઉપલબ્ધ જથ્થામાં વધ/ઘટ મળવાની સાથે, દુકાનદારો દ્વારા કુપન ન આપવી, ભાવ/જથ્થાના બોર્ડ ન નિભાવવા જેવી ગંભીર ગેરરીતીઓ મળી આવી હતી.
આ ગેરરીતીઓ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ નોટીસનો ગેરરિતી માટે જવાબદાર દુકાનદારો દ્વારા હાજર રહી લેખિત ખુલાસો રજુ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગરએ દુકાનદારો દ્વારા રજુ કરવામાં આવેલ ખુલાસો ધ્યાને લેતા અને દુકાનદારો દ્વારા ગેરરીતી તથા શરતો ભંગ કર્યાનું જણાઈ આવતાં સરકારની જોગવાઈઓ મુજબ હાલોલ ખાતે વિનયકુમાર ચીમનલાલ મકવાણા સંચાલિત વ્યાજબી ભાવના દુકાનદારને રૂ.૩૩,૮૦૯/- રકમનો તથા ગોધરા શહેર ખાતેની જમીલ એ.દડી સંચાલિત વ્યાજબી ભાવના દુકાનદારને રૂ.૫,૫૬૨/- રકમનો દંડ મળી કુલ રૂ.૩૯,૩૭૧/- જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે.
વધુમાં આ દુકાનદારો ફરીથી આવી કોઈ ગેરરીતી ન કરે તે માટે દિન-૧૫ માં બંને દુકાનદારોને જે-તે મામલતદાર કચેરીએ રૂ.૭૫,૦૦૦/-ના બે જામીનો રજુ કરવા હુકમ કરવામાં આવ્યો છે.જિલ્લામાં ગેરરીતી આચરનાર દુકાનદારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરી લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પુરતો અને નિયમિત મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે.