જિલ્લા પોલીસ દ્વારા પોલીસની નવ અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કંપનીઓના ગોડાઉન, હોટલો સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
અંકલેશ્વર અને પાનોલીમાં અનેક કંપનીઓ આવેલી છે. તેમાં અનેક રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયો પણ કામગીરી કરે છે. જેથી જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવાના જિલ્લા એસપી ડો. લીના પાટિલે આદેશ આપ્યા હતા. જે અનુસંધાન અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીઆઈ, પીએસઆઈ થઈને 12 અધિકારીઓ અને 70થી વધુ પોલીસ જવાનો સાથે અલગ અલગ 09 ટીમો બનાવી પાનોલી વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી કરવામાં આવી હતી.
આ કોમ્બીંગમાં ટીમો દ્વારા તમામ યુનિટો અને કંપનીઓના તમામ ગોડાઉન તથા હાઇવે ઉપર આવેલી તમામ હોટલ જેવાં વિસ્તારોમાં કોમ્બીંગની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં બી-રોલ હેઠળ ઇસમો વિરૂદ્ધ કરેલી કામગીરી-40, એમ.વી. એક્ટ 207 મુજબ જપ્ત કરેલ વાહનોની સંખ્યા-18, ઇ.પી.કો. કલમ 188 મુજબ જાહેરનામા ભંગ કરનાર મકાન/ભાડુઆત વિરૂદ્ધ કરેલી કેસોની સંખ્યા-08, પ્રોહીબીશન એક્ટ મુજબ કરેલા કેસોની સંખ્યા- 4 અને ગોડાઉન ચેક-60 મુજબની કાયદેસરની કામગીરી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના કારણે પાનોલી વિસ્તારમાં અસામાજિક પ્રવૃતિઓ કરતા ગુનેગારો માં ફફડાટ ફેલાઈ ગયો છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.