વીજ ટ્રાન્સફોર્મરની બાજુમાં જાહેર શૌચાલય ‘દારૂ અડ્ડો’ બન્યો: પાટણમાં હિંગળાજ ચાચરચોક નજીક ચોંકાવનારો ખુલાસો
રાધનપુર.એબીએનએસ. અનિલ રામાનુજ : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે પાટણ શહેરમાંથી ફરી એકવાર શરમજનક અને ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. હિંગળાજ ચાચર નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરની બિલકુલ બાજુમાં આવેલા જાહેર શૌચાલયની મુતરડી વિસ્તારમાં દેશી દારૂની પોટલીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
જાહેર ઉપયોગ માટે બનાવવામાં આવેલા શૌચાલયનો આ રીતે દારૂ પીવા માટે દુરુપયોગ થતો હોવાનો ખુલાસો થવાથી અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જાહેર સ્થળે ખુલ્લેઆમ દારૂ પીવાનું આ દ્રશ્ય માત્ર દારૂબંધીના કાયદાની ખુલ્લી અવગણના જ નહીં પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારી અને ઢીલા દેખરેખ પર પણ મોટું પ્રશ્નચિહ્ન મૂકે છે.
વિજ ટ્રાન્સફોર્મર જેવી સંવેદનશીલ સુવિધાની બાજુમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ સુરક્ષા અને અકસ્માતના જોખમને પણ આમંત્રણ આપે છે. જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? એ પ્રશ્ન પણ હવે જનતા પુછી રહી છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો જાહેર શૌચાલય જેવી જગ્યાઓ જ દારૂ પીવા માટેના અડ્ડા બનશે તો મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકો માટે આવા સ્થળોનો ઉપયોગ કરવો મુશ્કેલ બની જશે. સાથે જ સામાજિક શિસ્ત અને સ્વચ્છતાને પણ ગંભીર નુકસાન પહોંચશે.
આ સમગ્ર મામલે પોલીસ અને પાલિકા તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે. દારૂ ક્યાંથી આવ્યો? કોણ અહીં દારૂ પીવા આવે છે? અને અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ? એવા અનેક સવાલોના જવાબ હજી સુધી મળ્યા નથી.ત્યારે હવે જોવું રહ્યું કે આ ખુલાસા બાદ જવાબદાર તંત્ર માત્ર તપાસના આશ્વાસન આપશે કે ખરેખર કડક કાર્યવાહી કરી દારૂબંધીના કાયદાને કાગળ પર નહીં પરંતુ જમીન પર અમલમાં મૂકશે તે જોવું રહ્યું.
















