અંકલેશ્વર શહેરમાં પોલીસે બે સ્થળ ઉપરથી વર્લી મટકાના સટ્ટા બેટિંગના જુગાર સાથે ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી મોબાઈલ, મોપેડ અને રોકડ મળી કુલ રૂ. 60 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતોજયારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસ મથક દ્વારા સજોદ ગામ ખાતે 3 જુગારીઓ પાસેથી રૂ. 11,740 મોબાઈલ અને મોપેડ મળી કુલ રૂ. 51,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સજોદ ગામ ખાતે તાલુકા પોલીસની ટીમ દ્વારા વીનવાડી ફળીયામાં માહિતીના આધારે દરોડા પાડ્યા હતા.
જ્યાં પોલીસ આંક ફરકનો વર્લી મટકાનો સટ્ટાબેટિંગનો જુગાર રમતા નીરવ વસાવા, જીતેન્દ્ર વસાવા, અને કિરીટ પરમારને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેની પાસે રોકડ રૂપિયા રૂ. 11,740 તેમજ એક નંગ મોબાઈલ રૂ. 5,000 અને એક સફેદ રંગની એક્ટિવા કિંમત રૂ. 35,000 મળી કુલ રૂ. 51,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે બીજા એક દરોડામાં ભરૂચ LCB પોલીસ ટીમે શહેર બસ ડેપોમાંથી એક ઈસમ ઝડપી પાડ્યો હતો. જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી. જ્યાં સટ્ટા બેટિંગનો આંક ફરકનો જુગાર રમતા નરેશ કિશન ઉપલંચીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેની અંગઝડતીમાંથી રૂ. 1670 રોકડા તેમજ એક મોબાઈલ કિંમત રૂ. 7,000 મળી કુલ રૂ. 8,670નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અડ્ડા સંચાલન કરતી મહિલા જયા વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ ના ચક્રો ગતિમાન કર્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.