અંબાજી: સંજીવ રાજપૂત, એબીએનએસ: અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમનો મહાકુંભ સમો મેળો ચાલી રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. પગપાળા આવતા આ પદયાત્રીઓની સેવા અર્થે રસ્તામાં અનેક સેવાકીય કેમ્પો કાર્યરત છે, જેમાં અમદાવાદના ‘કિરણ ટ્રસ્ટ’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અભૂતપૂર્વ મેડિકલ અને વિસામા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કિરણ ટ્રસ્ટ દ્વારા વિતેલા ૧૪ વર્ષથી સતત આ નિઃશુલ્ક સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ કેમ્પ યોજાયા છે, જેમાં ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન જગમેર કમ્પા ખાતે અને ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન અંબાઘાટા ખાતે સેવા કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામદાયક વિસામાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક મેડિકલ સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રાથી થાકેલા અને શારીરિક તકલીફ અનુભવતા ભક્તોને આ કેમ્પથી મોટો રાહત-આસરો મળી રહ્યો છે.
આ માનવસેવાના કાર્યમાં આશરે પચાસથી સાઠ જેટલા પુરુષ અને મહિલા સ્વયંસેવકો પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ ભાવથી જોડાયા છે. કેમ્પમાં ઉત્કૃષ્ટ સેવાનો લાભ લઈને માઇભક્તો ભાવવિભોર બની સ્વયંસેવકો અને ટ્રસ્ટને આશીર્વાદ આપતા આગળ વધી રહ્યા છે.
















