શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલુ છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો હાલમાં શાકંભરી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે
જે પોષ સુદ પૂનમ સુધી ચાલશે.આ પર્વમાં ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરની હવન શાળામાં વિશ્વ કલ્યાણ માટે અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અલગ અલગ આવૃત્તિઓ અને અલગ અલગ હોમ હવન પાઠ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.અંબાજી મંદિરની હવન શાળાને રંગબેરંગી ફૂલોથી પણ શણગારવામાં આવી છે.
નવરાત્રી પર્વ એટલે દેવીની ઉપાસના, શક્તિની ઉપાસના, જન કલ્યાણ વિશ્વ કલ્યાણ માટે ભક્તો માની આરાધના કરવા દેવી દર્શને જતા હોય છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલી હવન શાળામાં બે દિવસીય યજ્ઞ વિશ્વ કલ્યાણ માટે શરૂ થયો છે. અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અને પાઠશાળાના ભૂદેવો દ્વારા અલગ અલગ સમયે, અલગ અલગ પાઠ, પૂજન, અર્ચન અને અલગ અલગ દ્રવ્યોની 1008 જેટલી ઔષધીઓની આવૃતિઓ પણ આપવામાં આવી રહી છે.
આ હવનમાં યજમાન તરીકે ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી યજ્ઞેશભાઇ દવે પણ જોડાયા હતા અને તેમને પણ માતાજીનું પૂજન અર્ચન કર્યું હતું. અંબાજી મંદિરની હવન શાળાને રંગબેરંગે ફુલોથી શણગારવામાં આવી છે તો સાથે સાથે હવન શાળામાં પણ હવન કુંડને પણ અલગ અલગ રંગબેરંગી કલરથી પણ સુશોભિત કરાઈ છે. 13 જાન્યુઆરીના રોજ પોષી પૂનમ હોઈ આ દિવસે પણ અંબાજી મંદિરમાં 101 કુંડી મહાશક્તિ યાગ પણ યોજાશે.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી