જામનગર, સંજીવ રાજપૂત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.31/03/2024 ના રોજ ગુજકેટ-2024 ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા દરમિયાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના રહેલી છે.
ઉક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જાહેરાત કરાઈ છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં ઉક્ત પરીક્ષા માટે નકકી કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ અત્રે જણાવેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આસપાસ આગામી તા.31 માર્ચ દરમિયાન સવારના 09:30 કલાકથી સાંજના 05:00 કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.
આ ઉપરાંત અત્રે પરિશિષ્ટમાં જણાવેલા મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ પ્રતિબંધાત્મક હુકમો સરકારી, અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના સાહસોને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 તળે શિક્ષાપાત્ર થશે.
જામનગર જિલ્લામાં પરીક્ષા માટે જાહેર કરાયેલા પરિશિષ્ટ મુજબ પરીક્ષા કેન્દ્રોની યાદી નીચે દર્શાવેલ મુજબ છે.
સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ-1, સજુબા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ-2, ડી.એસ.ગોજીયા વિદ્યાલય, એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, જી.એસ.મહેતા કન્યા વિદ્યાલય, ડી.સી.સી. હાઈસ્કૂલ, નેશનલ હાઈસ્કૂલ, ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય, એલ.જી.હરિયા સ્કૂલ યુનિટ-1, એલ.જી.હરિયા સ્કૂલ યુનિટ-2, જે.કે.સોની કન્યા વિદ્યાલય, પ્રણામી હાઈસ્કૂલ અને આર.આર.શાહ હાઈસ્કૂલ..
















