રાધનપુર, એ આર. એબીએનએસ: નવનિર્માણ વિદ્યામંદિર, રાધનપુર ખાતે આયોજિત “માતૃ પિતૃ વંદના કાર્યક્રમ” એક એવા પવિત્ર પ્રસંગરૂપે ઉજવાયો, જે માતા-પિતા સંમાન, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ કાર્યક્રમ માત્ર એક શાળાનો ઇવેન્ટ નથી, પણ સમાજના પાયા સમાન પરિવારમાં બંધાયેલા સંબંધોને ફરીથી જીવંત બનાવવાનો પ્રયાસ છે.
આજની દોડધામ ભરેલી જિંદગીમાં જ્યાં બાળકો અને માતા-પિતાની વચ્ચેનો સમય અને સંબંધ ધીમે ધીમે ફીકા પડી રહ્યો છે, ત્યાં આવા કાર્યક્રમો સંબંધોની ઉર્જા ફરીથી પ્રગટાવે છે. “માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ” જેવી સંસ્કૃતિનું પુનર્જાગરણ થાય એ મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાને આદર સહિત પૂજા કરી, તેઓ માટે પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે શાળાના શાસ્ત્રી મનુભાઈ જોશી, સંચાલક જયરાજસિંહ નાડોદા, આચાર્ય કલ્પેશભાઈ સોલંકી તેમજ સમગ્ર શિક્ષકવૃંદે ઉપસ્થિત રહી બાળકોથી માંડી વાલીઓ સુધીના હ્રદયોને સ્પર્શ કર્યો.વાલીઓએ પણ આ અનોખી પહેલને ખૂબ વખાણી અને શાળાના અભિનંદનપાત્ર કાર્ય માટે આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રેરણાત્મક ઉદ્દેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ વિશે શાળાના શાસ્ત્રી મનુભાઈ જોશીએ જણાવ્યું કે, “આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં સંસ્કાર અને પરિવાર પ્રત્યેનું માન-મર્યાદા ભાવ વિકસે છે.” શાળાના આચાર્ય કલ્પેશભાઈ સોલંકી, સંચાલક જયરાજસિંહ નાડોદા તેમજ સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા સતત પ્રયત્નો કર્યા હતા.
વાલીઓએ પણ શાળાની આ અનોખી પહેલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, “આજના સમયની આવશ્યકતા એવા કાર્યક્રમો છે.જે બાળકોમાં સંસ્કારનું સિંચન કરે.” આવી ઘટનાઓ સમાજને મૂલ્ય આધારિત શિક્ષણ તરફ વાળે છે અને બાળકના સર્વાંગી વિકાસ માટે પાયો તૈયાર કરે છે.