Entertainment

આજનો દિવસ એટલે મારા માટે મોં મીઠુ કરવાનો દિવસ.. મારી 16ની ઉંમરથી માંડી 29ની ઉંમર સુધી હું કંઈક નેં કંઈક લખતી હતી. આજે હું તમારી સમક્ષ, સાહિત્યરૂપી મારું પહેલાં ખોળાનું સંતાન, મારું પહેલું પુસ્તક લઈને આવી રહી છું. આપ એને વધાવશો ને?

એક સમય હતો જ્યારે ઘરની ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં મારી મા એક નાનકડી ડાયરીમાં શાક અને દૂધનો હિસાબ રાખતી. જો કે મહિનાનો હિસાબ કંઈ ખાસ નહોતો આવતો, પણ મારી માની કોઠાસૂઝને હું જોઈ રહેતી. એ ડાયરીના થોડા પત્તા ખાલી જવા દઈને બાકીના પાનામાં હું તે સમયની વેદનાને મારી કાલીઘેલી ભાષામાં લખતી. તે સમયે કદાચ મને જિંદગી શું છે ? તે પણ ખબર નહોતી…
આજે હવે આ લખાણ, નાનકડી ડાયરીમાંથી મોટી ડાયરીમાં, ત્યાંથી સોશિયલ મીડિયા દ્વારા તમારી આંખો સમક્ષ, ત્યારબાદ નાના મેગેઝીનથી અખબાર સુધી, અને હવે એ એક પુસ્તક સ્વરૂપે આપની સમક્ષ આવી રહ્યું છે.

પંદર વર્ષના આ ગાળામાં મેં જિંદગીને નાની ઉંમરમાં બહુ જ નજીકથી જોઈ છે.ઘણા એવા પ્રસંગો છે, જેણે મને જિંદગી જીવતા શીખવાડયું છે. લખવાં માટે સમય કાઢવો એ મારા માટે આસાન નથી. ક્યારેક વાસણ ગોઠવતા ગોઠવતા પણ હું શબ્દોનેં ગોઠવતી. ક્યારેક ઉંઘમાં પણ હું પ્રસંગ બબડતી. ક્યારેક રસોઈ કરતા કરતા પણ હું શબ્દોના સ્વાદને સૂંઘતી.ક્યારેક દીકરીને સુવાડતા સુવાડતા પણ એક હાથમાં હિંચકાની દોરી હોય ને બીજો હાથ કંઈક લખતો હોય. ક્યારેક શિક્ષણકાર્ય કરાવતી વખતે ફ્રી પિરિયડમાં નાસ્તાનો ડબ્બો ખોલવાનો બદલે લખવા માટે નોટ ખોલતી.જ્યાં જતી ત્યાં બસ લખવાનું માધ્યમ શોધી લેતી.

અને આજે હવે હું તમારી સમક્ષ જીવતા પાત્રોની સંઘર્ષકથાઓ લઈ ને આવી રહી છું. દરેક વ્યક્તિ પાસે પોતાનો અનુભવ હાથવગો હોય જ છે, પણ આટલા સંઘર્ષ પછી પણ બેઠા થઇને જિંદગીને એક નૂતન દિશા તરફ કઈ રીતે લઈ જઈ શકાય ..! તેની પ્રેરણા આપતી કેટલીક વાસ્તવિક, મારી આંખે જોયેલી હૃદયભેદી વાર્તાઓ છે..તે વાર્તાઓમાં નીચે મારી સિગ્નેચર છે. જેનો મતલબ કે હું આ વાર્તાઓની સાક્ષી છું.આથી જ મારા પુસ્તકનું નામ મેં “માય સિગ્નેચર સ્ટોરીઝ” રાખ્યું છે..”

મને આશા છે કે તમને બધાનેં આ વાર્તાઓ ગમશે. હૃદય સોંસરવી ઊતરી જશે. એક જ જગ્યાએ બેસી ને, ચાના એક કપ સાથે આખી બુક પૂરી કરવાની ઈચ્છા થશે…

બસ, ટૂંક સમયમાં જ…આવી રહી છું… મને અને મારી વાર્તાઓને વધાવી લેજો….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *