Entertainment

ભણકારા નાટકની સફળતાના ભણકારા

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ધાની એંટરપ્રાઈઝીસના મેઘા ભટ્ટ અને શૈલજા પંડ્યા દ્વારા સાંસ્કૃતિક અને સાહિત્યના કાર્યક્રમો કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે તે પ્રસંશનીય છે. યુવાનોને પ્રોત્સાહન મળી રહે તે માટે ધાની એંટરપ્રાઇઝીઝ પ્રયત્નશીલ છે.

મેધા ભટ્ટ જાણીતા લેખિકા ફિલ્મ ક્રિટિક અને પત્રકાર છે. તેઓ બે હજાર કરતાં વધારે ફિલ્મ અને ટીવી કલાકારોના વ્યક્તિગત ઈન્ટરવ્યૂ લઈ ચૂક્યા છે. શૈલજા પંડ્યા પણ કલાકાર તરીકે રાસ, ગરબા અને લોકનૃત્યના (ધોરડો, રણોત્સવ સહિત)અનેક કાર્યક્રમોમાં ભાગ લઈ ઇનામો મેળવી ચૂક્યા છે.

અગાઉ ભાવનગરમાં ‘ભણકારા’ નાટક ભજવાયું ત્યારે ધરતી સાથે જડાયેલા આર્થિક રીતે પછાત માનવીની આ વ્યથાકથામાં પ્રેક્ષકો રસતરબોળ થયાં હતાં. ભણકારા નાટકમાં કથાબીજ તરીકે ડો. શક્તિસિંહ પરમારની ‘ઓઘરાળા’ વાર્તા લઈને રિદ્ધિ પાઠક અને વિવેક પાઠકે તેની પટકથા અને દૃશ્ય સંયોજન કર્યું છે. જેને ભણકારાનું નામ આપવામાં આવ્યું છે. આ નાટકમાં મીથ-પુરાકલ્પન તરીકે હાલરડાનો ઉપયોગ દૃશ્યને વધુ કરુણા આપી જાય છે.

‘દડો લેવાને હારી જળમાં પડ્યા, કાંઠે રે ગોવાળિયા ઊભા રહ્યા,
જો જશોદા જળમાં પડે, મા પહેલાં છોરું કેમ મરે?’

માતાનું હૃદય જ્યારે મનોમંથન અનુભવે છે. દીકરીની જિજીવિષા તેની નજર સામે હોવા છતાં માતૃત્વ હારી જાય છે. ગામમાં ભજન અને કથાકીર્તન કરતાં પતિનો ઘરમાં વ્યવહાર માતા અને દીકરી માટે રિબામણી કરનારો હોય છે.

ત્યારે લીધેલા મહત્વના નિર્ણયના ‘ભણકારા’ માતાને વર્ષો સુધી સંભળાયા કરે છે. દિગ્દર્શનનો કસબ,અભિનયના અજવાળા ‘ભણકારા’ નાટકમાં ગુજરાતી નાટકને અનોખી ઊંચાઈએ લઈ જાય છે. ભણકારા નાટકમાં નાટ્ય રૂપાંતર, પટકથા અને સંવાદ રિદ્ધિ પાઠક અને વિવેક પાઠક દ્વારા રજૂ થયા છે.

જ્યારે માતાના પાત્રમાં ઋષિતા ભટ્ટ અને દિકરીના પાત્રમાં ઋતાલી ભટ્ટના અભિનયે દર્શકોની આંખો ભીની કરી દીધી હતી. મોટી દિકરીના પાત્રમાં હેલી શુક્લાએ વાતાવરણમાં જીવંતતાનો પરિચય કરાવ્યો હતો.

નાટ્ય રૂપાંતર કરનારામાં રિદ્ધિ પાઠક અત્યારે પીએચ.ડી. કરી રહ્યાં છે. જ્યારે ‘વિવેક પાઠક પ્રોડકસન્સ’ ના વિવેક પાઠક મુંબઈ ચાર પાંચ વર્ષ સિરિયલનો અનુભવ લઇને ગુજરાતી તખ્તા પર એક ક્રાંતિ લઇને આવ્યા છે. તેમનો અભિનય અને દિગ્દર્શન મંચને નવી ઊંચાઈ બક્ષે છે.

દરેક પાત્રની પસંદગીથી લઇને દૃશ્ય સંયોજનમાં તેમણે પ્રેક્ષકોને અને ગુજરાતી રંગભૂમિને અનેક ચમકારા દેખાડ્યા છે. તખ્તા પર પહેલી વાર રંગમંચના એક ભાગ પર પતિ માર મારતો હોય અને બીજા છેડે માર ખાનાર પાત્ર માતા હોય કે દીકરી તેનો દયાજનક પ્રતિભાવ આપતું હોય તે પ્રકારનું દૃશ્ય વિવેક પાઠકે બાખૂબી રજૂ કરી બતાવ્યુ.

માતા અને દીકરી વચ્ચેનો અતૂટ સંબંધ એવરેસ્ટની ઊંચાઈ પર પહોંચી ઊંડી પાતાળ ખીણમાં કેવી રીતે ગબડી પડે છે તેની વાત નાટકમાં ‘ભણકારા’ બનીને ઊભરી આવે છે. સંગીત વિભાગમાં પણ બનતી ઘટનાની નાનામાં નાની વિગત પ્રેક્ષકો સમક્ષ માત્ર સંગીત દ્વારા સ્પષ્ટ થતી જોવા મળે છે.

અમદાવાદમાં 16 સપ્ટેમ્બરના રોજ એચ.કે.હોલ,માં ફરીથી તેનો બીજો શો યોજવામાં આવ્યો ત્યારે આ નાટક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, નાટ્યવિદ ડો. સતિશ વ્યાસ, ફિલ્મના જાણીતા કલાકાર ભાવિની જાની અને જાણીતા લેખક અને પત્રકાર રવિ ઇલા ભટ્ટની ઉપસ્થિતિમાં ભજવાયું. નાટક પૂરું થયા બાદ પ્રેક્ષકોએ ઉત્સાહભર્યો પ્રતિભાવ આપ્યો હતો અને આજના સામાજિક ઢાંચામાં આર્થિક મુશ્કેલી અનુભવતા કુટુંબની કથા રજૂ કરતું આ નાટક અનેક જગ્યાએ ભજવાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *