Entertainment

રક્ષાપોથી જુવે વિરની વાટ

 

 

“શુ તમે પણ સવાર સવારમાં આકુળવ્યાકુળ થઈ ગયા છો?” જાગૃતિએ પ્રિતેશને પૂછ્યું.

“આ બેન આવવાની હતી! બપોરના બાર થયાં તોયે હજુ આવી નહીં!!” પ્રિતેશ બોલ્યો.

જુવો ડોરબેલ વાગ્યો બેનબા આવી ગયા લાગે છે. કહી જાગૃતિ ઊભી થઈ દરવાજો ખોલવા ગઈ. આવો! આવો! બેન કેમ છો? અંકિતા ઘર માંલીપા આવતા બોલી, “જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ ભાઈ.” પ્રિતેશ બોલ્યો લે કુમાર તમે પણ સાથે આવ્યા છો? કેવું ચાલે છે તમારે? નિખિલકુમાર બોલ્યા, “એકદમ મજામાં”. બેસો બેસો. જાગૃતિ પાણી આપ બંનેને.

બેન બોવ સમય લગાડી દીધો તે આવવામાં? પ્રિતેશે હળવી મજાક કરી. ઈંતઝારની મજા કંઈક અલગ જ હોય છે. તું મારાથી મોટી છે બેન એટલે આપણો સંબંધ આજસુધી તે જ નિભાવ્યો છે. જ્યાં પણ ઝુકવાનું થાય, જ્યાં જરૂર પડે ત્યાં તું મારા માટે હંમેશા ખડે પગે ઊભી રહી છે. આજે તું તારા ઘરની જવાબદારી માંથી થોડી મુક્ત બનીને તું મારા માટે સુતરનો ધાગો લઈને તું મારી રક્ષા કાજે આવી છે. ખરેખર! હું ધન્ય છું કે મને તારા જેવી મોટી બહેન મળી છે. પ્રિતેશ અંકિતાનો હાથ પકડીને અહોભાવ સાથે બોલ્યો.

ભાઈ! જ્યારે હું નાની હતી ત્યારે મારી કોઈ બહેનપણી નહોતી, તારું ધ્યાન રાખવામાં જ મારો આખોયે દી પસાર થઈ જતો. હું હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે પ્રભુ!, તું મારા લાડકા વિરાને મારાથી પણ વધુ ખુશ રાખજે. અને જો પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી લીધી. ભાઈ મને યાદ છે, “જ્યારે હું દસ વર્ષની હતી અને તું આઠ વર્ષનો હતો ત્યારે છેલ્લીવાર મેં તને પ્રત્યક્ષ રાખડી બાંધેલી એ પછી હું ભણવા માટે શહેર જતી રહેલી એ પછી ઘણાં વર્ષો બાદ, લગ્નબાદ આજના પવિત્ર રક્ષાબંધનના પર્વે એવું બન્યું છે કે હું તને હાથોહાથ રાખડી બાંધવાનો અવસર સાંપડ્યો છે. પરંતુ દરેક રક્ષાબંધને મેં તને યાદ કર્યો છે, તારી સાથે વિતાવેલો સમય યાદ કરીને હું અંધારીયે ખૂણે રડેલી છું. ભાઈ તને ક્યારેય મારી યાદ ના આવી?” આંખના આંસુ લૂછતાં અંકિતા બોલી.

પ્રિતેશની આંખે પણ ઝળઝળિયાં બાજયા અને ભૂતકાળને વાગોળતો બોલ્યો,

“હું જ્યારે નાનો હતો ત્યારે તારી સાથે રમવા આવતો હતો, જ્યારે ઉતાવળે ચાલવામાં પડી જતો અને ગોઠણ છોલાઈ જતો ત્યારે મારથીયે વધુ રડનારી બેન તું મને કેમ ભુલાય?”

“રાત્રે સૂતી વખતે મને અંધારાથી ખૂબ જ ડર લાગતો, તું મને કેવી માથામાં હાથ ફેરવીને સુવડાવતી એવી વહાલી બેન તું મને કેમ ભુલાય?

“કોઈએ તને ચોકલેટ આપી હોય તો તું ખાતી નહીં ને મારા માટે લઈ આવતી ને હું ગાંડો તને આપ્યા વિના જ ખાઈ જાતો અને તું લાચાર બની મને ચોકલેટ ખાતો જોયા કરતી એવી બેન હું તને કેમ ભૂલી શકું?”

“ભણવામાં મારુ પરિણામ ખૂબ જ નબળું આવતું અને તું હોંશિયાર હતી તેથી અવ્વલ આવતી. પપ્પા મને ખિજાતા, મને અંગુઠા પકડાવતા, ત્યારે તું પણ ચુપચાપ મારી બાજુમાં આવીને પગના અંગુઠા પકડીને ઊભી રહી જતી એવી બેન હું તને કેમ ભૂલી શકું?”

“તું ભણીગણીને નોકરીએ લાગી ત્યારે તે તારા પહેલા પગારમાંથી મારા માટે એક મોબાઈલ અને છ જોડી કપડાંની ભેંટ મોકલેલી ત્યારે મને એ સ્વીકારતા ખૂબ શરમ લાગેલી કે તે તારી પહેલી કમાણી પણ મારા માટે વાપરી!. એવી બેન હું તને કેમ ભૂલી શકું?” આટલું બોલતા જ પ્રિતેશ અંકિતા ભેંટીને રડી પડ્યો. ભાઈ તું નાનો હતો તો પણ તને બધું જ યાદ છે, મારી ભૂલ થઈ ગઈ કે મેં તને પૂછ્યું કે તને મારી યાદ ના આવી?”

અંકિતાએ પ્રિતેશના ભાલે અક્ષત કંકુમનું તિલક કર્યું. હાથે સુતરનો ધાગો બાંધ્યો અને બેકગ્રાઉન્ડમાં ગીત ગુંજી રહ્યું હતું કે,

હે!, આજ રક્ષા રે બંધનનો દિવસ આવીયો રે!

હે! મારી રક્ષાપોથી જુવે વિરની વાટ જો,

કે આજ બેનીબા બોલાવે વીરા આવજે રે,

કે વીરા લાવજે તારી લાડીને સંગાથ જો…

હો.. આજ બેનીબા બોલાવે વીરા આવજે રે…

બેનીએ વીરને અક્ષતથી વધાવ્યો અને વારણાં લીધા. “આજે એક દાયકા પછી તું રક્ષાબંધનના દિવસે આવી છો તો બેન હું ઘણું કમાઉ છું તો બોલ બેની આજે તારે શું જોઈએ છે?” પ્રીતેશે અંકિતાને પૂછ્યું.

ભાઈ તું મારાથી નાનો છે. મેં આજ સુધી તારી પાસેથી કંઈ નથી માંગ્યું. પણ આજે એક વાતથી ચિંતિત છું. “આપણા મા બાપે આપણી બંનેની ખુશી માટે તેના જીવનના ઘણાયે સુખનો ત્યાગ કર્યો છે, હવે તારા લગ્ન થઈ ગયા છે. તારી નવી જીવનસાથી આવી ગઈ છે. તારા જીવનમાં બની શકે તો એક વચન આપ. તેની વૃદ્ધાવસ્થા સુધી તું આપણાં મા બાપને સાચવીશ. તેની દરેક વાતને સમજવાની કોશિશ કરીશ. હું દરેક દી તારી સાથે નહીં હોઉં! પણ તું આપણાં મા બાપની હંમેશા સંભાળ રાખજે. અને તું તેમના જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરીશ. વચન આપ ભાઈ! હું તારી પાસે આ જ વિરપહલી માંગુ છું. અંકિતાએ આજ અનોખી વિરપહલી માંગી લીધી.

અંકિતાનો હાથ પકડીને પ્રિતેશ બોલ્યો, “હા બેન! હું તને વચન આપું છું કે જીવનમાં ક્યારેય આપણા મા બાપ દુઃખી થાય એવી ક્ષણ હું ક્યારેય નહીં આવવા દઉં. હું હંમેશા તેની સંભાળ રાખીશ અને તેમની દરેક વાતને સમજીશ”.

કરુણ વાતાવરણમાં ખુશીઓનો રંગ ભરતા જાગૃતિ બોલી, “હવે તમારી બંનેની વાત ખૂટી હોય તો બીજાને ગળ્યા મોંઢા કરાવો.” સૌએ ગળ્યા મોંઢા કર્યા અને રક્ષાબંધનનો પર્વ આનંદથી ઉજવ્યો.

હે!, આજ રક્ષા રે બંધનનો દિવસ આવીયો રે!

હે! મારી રક્ષાપોથી જુવે વિરની વાટ જો,

કે આજ બેનીબા બોલાવે વીરા આવજે રે,

કે વીરા લાવજે તારી લાડીને સંગાથ જો…

હો.. આજ બેનીબા બોલાવે વીરા આવજે રે…

 

હે! તારી બેની પાસે અઢળક છે સંપત્તિ રે…

હે છતાં આજે તારી પડી મને ખોટ જો…

હો.. આજ બેનીબા બોલાવે વીરા આવજે રે…

 

હે! આજે બેનીબા પુકારે વિરો તારો આવીયો રે…

હે બેની માંગવું હોય તે માંગી લેજે આજ જો,

કે બેની વિરો તારો આવી ઉભો આંગણે રે…

 

હે! આજે બેનીબાનો પુકાર વિરાએ સાંભળ્યો રે,

હે વીરા રાખજે માતા પિતાને સંગાથ રે…

હે વીરા બનજે તું મીઠી એની આશ રે…

હે આજ એટલું માંગે વીરા પાસે બેનડી રે…

આ વાર્તાની શોર્ટફિલ્મ બની છે. જેમાં ગુજરાતી ફિલ્મ એક્ટર મમતા સોની અભિનય વખતે ભાવવિભોર થયાં હતાં.

(ક્યાંક લખી રાખવા જેવું : માતા પિતાની સંપત્તિમાં દીકરા અને દીકરી બંનેનો સરખો ભાગ લાગે છે છતાંયે દીકરી સંપત્તિ પરથી નજર હટાવી સંસ્કારો લઈને સાસરિયે ચાલી જાય છે કારણકે તે નથી ઇચ્છતી કે પોતાના ભાઈની સંપત્તિમાં ભાગલા પડી જાય. આંગણે આવેલી બેન દીકરીને વધાવી લેજો એ ઘણું છોડીને જાય છે.)

અંકિતા મુલાણી “રિચ થીંકર”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *