મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે શ્રી આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા.સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સલને સંબોધ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઇતિહાસમાં રાજાઓ રાજપાટ છોડીને મોક્ષ તરફ જતા હતા.આવી જ રીતે હાલમાં જૈન સમાજમાં જેમની પાસે ભૌતિકતા અને સુખ છે તેઓ દીક્ષા લઇ મોક્ષ તરફ આગળ વધે છે. જે દર્શાવે છે કે આ બધું ક્ષણિક સુખ છે. આપણાં ગુરૂજનો પણ આપણને ગેરમાર્ગે જતાં રોકી યોગ્ય રાહ ચિંધે છે,તે આનંદની વાત છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલથી હાલ ધાર્મિક સ્થાનોની સ્વચ્છતા માટે અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આ ધર્મસ્થાનની સ્વચ્છતા જોઇ ઘણો આનંદ થયો.
વધુ ઉમેરતા તેમણે કહ્યુ હતુ કે ભગવાન બાહુબલીની બીજા ક્રમની સૌથી ઉંચી પાષાણ મૂર્તિ અહીં આકાર પામી છે.ભગવાનની કૃપાદ્રષ્ટિ આપણા પર રહે અને આપણે મોક્ષ તરફ આગળ વધી શકીએ તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી,ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,જિલ્લા કલેકટરશ્રી આર.કે. મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જીલોવા,પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,પ્રાંત અધિકારીશ્રી દિલીપસિંહ વાળા,આયોજક ટ્રસ્ટીશ્રી હસમુખભાઇ વોરા,શ્રી નિમેષભાઇ શાહ,નવનીતભાઇ શાહ,રાજેશભાઇ ઝવેરી,પરેશભાઈ વાગડ,હિતેનભાઇ શેઠ સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.