અમદાવાદ, સંજીવ રાજપૂત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જન્મજાત બહેરાશની તકલીફ હોય તેવા બાળકને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કોકલીયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન નિ:શુલ્ક લગાવી આપવામાં આવે છે. નાનું બાળક રમત ગમત કરતા કાનની બહાર લગાવવાનું એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન ખોઈ બેસે છે કે પછી તૂટી જાય કે બગડી જાય છે ત્યારે બાળક ફરીથી શ્રવણ શક્તિ ગુમાવે છે.
આવા બાળકને રાજ્ય સરકાર કોકલીયર ઈમ્પ્લાન્ટ અને એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર મશીન બીજીવાર નિ:શુલ્ક લગાવી આપશે. મશીન ભલે તૂટે, બાળકના સપના નહીં તૂટવા દઈએ તેમ મંત્રી એ ઉમેર્યું હતું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧૦૦ બાળકોને કોકલીયાર ઈમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.કુલ ૨૨૦ બાળકોને, રૂપિયા અઢી લાખનું એક એવા આ મશીનનું બીજીવાર ફીટીંગ અને મેપિંગ કરી આપવાનું આયોજન હાથ ધરાયું છે.બાકી રહેલા ૧૨૦ બાળકોના પણ પ્રોસેસર ઈમ્પ્લાન્ટ ટુંક સમયમાં નવા બદલી આપવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ સંદર્ભે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, બાળક એ દેશનું ભવિષ્ય છે. બધીરતાની તકલીફ કે મશીન બગડી જવાના કારણે બાળકનું ભણતર અટકી જાય અને તેનું ભવિષ્ય ધૂંધળું બને તેવું સરકાર થવા નહીં દે.
અને એટલે જ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર બગડ્યું હોય કે ખોવાઈ ગયું હોય તેવા કિસ્સામાં આ મશીન ફરીથી નિશુલ્ક લગાવી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, પહેલીવાર ખાનગી હોસ્પિટલમાં મશીન લગાવ્યું હોય તો તેમની પાસેથી કુલ ખર્ચના ૧૦ ટકા જેટલી નજીવી રકમ લઈને બીજી વાર મશીન લગાવી આપવામાં આવશે. કુદરતે કોઈ બાળકને કાનમાં ત્રુટી આપી છે તો તેને નિવારવા સરકારે કૃત્રિમ શ્રવણ શક્તિ આપવાનું વ્યવસ્થા સરકારે બનાવી છે.
મંત્રીએ કહ્યું કે, બાળકનું સપનું હોય વૈજ્ઞાનિક બનવું, ઇજનેર બનવું અને સારી કારકિર્દી બનાવીને પરિવાર અને રાષ્ટ્રની સેવા કરવી. તો આવા સપના પૂરા કરવામાં તેમની બધિરતા અડચણ ન બને તે રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે ઓડિયોલોજીમાં ઉચ્ચ તબીબી અભ્યાસ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભું કર્યું છે.
સોલા સિવિલ હોસ્પિટલના વિભાગના વડા શ્રીમતી નીના ભાલોડીયાએ સરકારી ઓડિયોલોજી કોલેજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિગતો આપતા કહ્યું કે, અત્યારે સુધીમાં ૯૦૦૦ લોકોએ બહેરાશ સંબંધી સારવાર અહીં લીધી છે. ૪૦૦૦ થી વધુ કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે. સ્પીચ થેરાપી માટેના સાઉન્ડ પ્રુફ રૂમ અને અધ્યતન સાધનો અહીં ઉપલબ્ધ છે.
મંત્રી ઋષિકેશ પટેલે ઓડિયોલોજી ફેસીલીટી, સ્પીચ થેરાપી સેન્ટર, ઈમ્પ્લાન્ટ સુવિધા વગેરેની મુલાકાત લીધી હતી.
તેમણે સોલા સિવિલ હોસ્પિટલના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત લઈને તમામ મેડિકલ ફેસીલીટીની સમીક્ષા કરી હતી અને તબીબો તેમજ વહીવટી અધિકારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા.
આરોગ્ય વિભાગના સચિવ ધનંજય ત્રિવેદી , આરોગ્ય કમિશનર ગ્રામ્ય શ્રીમતી રતન કવર ગઢવી ચારણ, આરોગ્ય વિભાગના અધિક નિયામક નયન જાની, સોલા મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ, તબીબી અધ્યાપકો અને પ્રોફેસર વિગેરે આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતા.