કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મહિલાઓનું સમાજમાં ઘણું યોગદાન છે. પોતાના દમ પર નવો ચીલો ચિતરનાર તથા વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી પ્રતિભાથી વિશેષ છાપ છોડનાર મહિલાઓના સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને મૂલવવા માટે વિશ્વભરમાં દર વર્ષે ૮ માર્ચનો દિવસ ‘ વિશ્વ મહિલા દિન ‘ તરીકે ઉજવાય છે. વિશ્વ મહિલા દિનના આ પાવન અવસર પર આજે એક એવાં સ્ત્રીરત્નને યાદ કરવા છે કે, જેઓ પોતાના સેવાયજ્ઞ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોતાનાં સત્કર્મોની સુવાસ ફેલાવી રહ્યાં છે. જીવનમાં ક્યારેય બ્યુટી પાર્લરનું પગથિયું ન ચડનાર તે મહિલાએ આજે અબોલ પશુપક્ષીઓની સેવાની ધૂણી ધખાવીને અનોખું તેજ પ્રાપ્ત કર્યું છે. તે કર્મયોગી મહિલા એટલે શ્રીમતી ઇન્દુબેન એસ. પ્રજાપતિ.
વિશ્વશાંતિના કવિ અને મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીના બામણા ગામની નજીક આવેલાં ગામ પુનાસણમાં ૧ નવેમ્બર ૧૯૬૩ના રોજ એક અભણ માતા તથા શિક્ષક પિતાના ઘરે જન્મેલાં ઇન્દુબેન પ્રજાપતિને પરોપકાર, શિક્ષણ, સેવા, કર્તવ્યનિષ્ઠા અને પ્રમાણિકતા જેવા ગુણો વારસામાં જ મળ્યાં હતાં. ઇન્દુબેન પ્રજાપતિએ પોતાના દમ પર એક સંસ્થા ઊભી કરી છે. ‘ માનવસેવા એ જ પ્રભુસેવા ‘ને પોતાનો જીવનમંત્ર ગણી માનવસેવાના ઉચ્ચ શિખરો સર કરતી આ સંસ્થા એટલે ‘ શ્રવણ સુખધામ પંચવટી ‘. ઇન્દુબેન પ્રજાપતિએ આ સંસ્થા થકી અબોલ પશુપક્ષીઓની સેવા કરવા માટે એક મહાઅભિયાન ‘ વિહંગનો વિસામો ‘ શરૂ કર્યું છે. આ અભિયાન છેલ્લાં પાંચ વર્ષથી અવિરતપણે ચાલી રહ્યું છે અને હવે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અભિયાન અંતર્ગત પશુપક્ષીઓને પાણી અને અનાજ પૂરું પાડીને તેમની ભૂખ સંતોષવામાં આવે છે. આસપાસના શ્વાન અને કપિરાજ માટે રોટલો અને લાડુની વ્યવસ્થા કરવામાં આવે છે. પશુપક્ષીઓ માટે ઉનાળામાં પાણી, ચોમાસામાં ચણ, શિયાળામાં હૂંફાળો માળો વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લઈને શ્રાવણ સુખધામ ‘ પંચવટી ‘ સંસ્થા માટીના કુંડા, માટીના માળા અને ચણનું વિતરણ કરીને પશુપક્ષીઓની સેવા અને પ્રકૃતિના જતન માટે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે.
થોડાં સમય પહેલાં નાદુરસ્ત તબિયત હોવાથી પોતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં પણ હોસ્પિટલની પથારીમાં પડ્યાં પડ્યાં ઇન્દુબેને વિહંગનો વિસામો અભિયાન વહેતું મૂક્યું અને અબોલ પશુપક્ષીઓની સેવા માટે માટીના માળા અને પાણીના કુંડા ઘરે ઘરે પહોંચતા કર્યાં હતાં. ઇન્દુબેન પ્રજાપતિ સમાજને સલાહ નહિ, પણ સહકાર આપવામાં માને છે. ચાલશે, ફાવશે અને ભાવશેની મનોવૃત્તિ વડે તેઓ દરેક પરિસ્થિતિમાં સમાજની પડખે ઊભેલાં જોવા મળે છે. સમાજ અને અબોલ પશુપક્ષીઓ પ્રત્યેની તેમની સેવા-ભાવનાને જોતાં તેમનું અનેક સંસ્થાઓ અને સમાજના અનેક મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.