Latest

અરવલ્લીના ગઢડાકંપાના યુવાને પ્રાકૃતિક ખેતી કરી પોતાની આવકમાં કર્યો વધારો.

પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અંતર્ગત માવજત કરીને રાસાયણિક ખેતીની તુલનામાં મેળવે છે બમણી આવક

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

કૃષિ ક્ષેત્રે ખેડૂતે પોતાની આવક બમણી કરવી હોય તો રાસાયણિક ખેતી દ્વારા તે શક્ય જ નથી. આજે વર્ષોવર્ષ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતમજૂરી વગેરેના ભાવ વધતા જ જાય છે. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગના કારણે જમીન બિનઉપજાઉ થવાના પરિણામે કૃષિ ઉત્પાદન ઘટતું જતું હોવાનો મોટા ભાગના ખેડૂતોનો અનુભવ છે. ત્યારે જો ઉત્પાદન ઘટે સામે પક્ષે પોષણક્ષમ ભાવની સમસ્યા પણ સર્જાય ત્યારે ખેતીને ટકાવવી કેવી રીતે? એ કોઈ પણ ખેડૂતો માટેનો પ્રાણપ્રશ્ન બને તે સમજી શકાય છે. આ સમસ્યાનો જવાબ પ્રાકૃતિક ખેતીમાં સમાયેલો છે તેવું આ ખેતી અપનાવતા ખેડૂતોના અભિપ્રાયનું નોંધપાત્ર કારણ છે. એટલે જ ખેડૂતો પોતાની આવક બમણી કરવાં પ્રાકૃતિક ખેતી અપનાવે તો ખુબ જ નજીકના ભવિષ્યમાં તે ખેતીની આવક બમણી કરવાનું લક્ષ્યાંક હાંસલ કરી શકશે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગઢડાકંપાના યુવાન ખેડૂત પ્રવીણ પટેલે આ વાતની પ્રતીતિ કરાવી છે. પ્રવીણભાઈએ તો પ્રાકૃતિક ખેતીથી પકવેલી કૃષિ પેદાશોનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કર્યું છે. તેઓએ પ્રાકૃતિક ખેતી અંતર્ગત ડુંગળીના બિયારણનું વાવેતર કર્યું છે અને તેના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોતાની આર્થિક આવક પણ નિશ્ચિત કરી લીધી છે. તેઓનું દૃઢપણે માનવું છે કે ખેડૂતે પોતાની આવકબમણી કરવી હોય તો પ્રાકૃતિક ખેતી અપનાવ્યા સિવાય છૂટકો નથીઃ


‘‘ખેડૂતની આવક બમણી કરવાનો આપણા વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે તે પ્રાકૃતિક ખેતી દ્વારા શક્ય છે અને ખેડૂતોએ તે અનુભવ્યું પણ છે માત્ર ઘઉંની વાત નથી કરતો બીજા પાકમાં પણ ઉત્પાદન અને તેની આવકના પ્રમાણમાં તેનો ધરખમ વધારો અમે અનુભવ્યો છે, આજે મેં પાંચ એકરમાં ઘઉંનું વાવેતર પ્રાકૃતિક ખેતીથી કર્યું છે. હવે આ વર્ષે સરેરાશ રૂ. ૯૦૦ના મણના ભાવે ઘઉં વેચાશે એટલે એક એકરની રૂ. ૯૦,૦૦૦ની આવક સાથે કુલ રૂ. ૪.૫૦ લાખનો નફો ઘઉંની ખેતીમાં યશે. રાસાયણિક ખેતીમાં આ ક્યારેય શક્ય ન હતું.


પ્રવીણભાઈએ પ્રાકૃતિક ખેતી અંતર્ગત ઘઉં ઉપરાંત ડુંગળીનાં બિયારણનાં વાવેતરનો પણ સફળ પ્રયોગ કર્યો છે તેમની સફળતાની ગાયા જણાવતાં તેમનાં શબ્દો ‘‘પ્રાકૃતિક ખેતીથી પરાગનયન લગભગ ૮૫થી ૧૦૦ ટકા થાય છે તેનાથી ઉત્પાદન રાસાયણિક ખેતી કરતાં ખૂબ સારું મળે છે. ડુંગળીના બિયારણની ખેતીમાં અમે બંગાળની એક કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું છે જેમાં અમને ઘણો ફાયદો છે. ડુંગળીના બિયારણનો ભાવ એક કિલોનો રૂ. ૫૫૦ કંપની સાથે નક્કી થયો છે. કંપની તે ભાવે ખરીદી લેશે. પ્રાકૃતિક ખેતીના કારણે મધમાખી દ્વારા પરાગનયનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. મેં અત્યારે આઠ એકરમાં પ્રાકૃતિક ખેતીથી ડુંગળીના બિયારણનું વાવેતર કર્યું છે. આઠ એકરની વાત કરીએ તો લગભગ એક એકરમાં
રૂ.૧.૫ લાખ આવક થશે.


‘‘હું હાલમાં ૨૨ એકર ખેતરમાં વર્ષ ૨૦૧૬થી સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરુ છે. વર્ષ ૨૦૧૩માં નાના પ્લોટમાં ઘઉંના વાવેતરથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરેલો અને તેમા સફળતા મળ્યા બાદ વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતી કરુ છું. વર્ષ ૨૦૧૬ પહેલાં જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે વર્ષોવર્ષ કૃષિ ઉત્પાદન ઘટતું જતું હતું અને ખર્ચ વધતો જતો હતો અને જમીન ઉજ્જડ થતી અને પાણીની જરૂરિયાત પણ વધતી જતી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઘણી ઓછી થતી જાય છે. પ્રાકૃતિક દ્રવ્યોના કારણે છોડ પોતે જ ટકાઉશક્તિ મેળવી લે છે. પરિણામે રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે જ છોડ મેળવી લે છે. ઉપરાંત જમીનની ફળદ્રુપતા વધે છે. જોકે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતના વર્ષોમાં જે તે કૃષિપેદાશનું ઉત્પાદન રાસાયણિક ખેતીની તુલનામાં ઘટેલું પણ તે અમુક અમુક પાકમાં જ. તમામ પાકોમાં નહીં, પણ તે રીતે જોઈએ તો રાસાયનિક ખેતીમાં પણ જે તે હું કૃષિ પેદાશનું નું ઉત્પાદન ક્રમશ: ઘટતું જોવા મળે છે. લગભગ તમામ ખેડૂતોનો આ અનુભવ છે. સામે પક્ષે ખાતર, બિંયારણ, જંતુનાશક દવાઓ, પિયતનો ખર્ચ, ખેતમજૂરી આવા તો અનેક ખર્ચ વર્ષોવર્ષ વધતાં જાય છે. હું ઘઉંની વાત કરું તો મારા પિતાશ્રી કહેતા કે જ્યારે એકરે ૧૦૦ મણ ઘઉંનો ઉતારો આવતો, ડીએપી, પુરિયા, પોટાશના વધુ ઉપયોગ છતાં પણ જમીન ઉજ્જડ થવાથી ઉતારો ૯૦ મણ સુધી નીચે ઉતર્યા હતો, છોડની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટવા લાગી અને અવનવા રોગ ખેતરોમાં જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિમાં અમેં  પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો.
‘હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો તેની પાછળનો મારો તર્ક સામાન્ય હતો કે હું મારા કે મારા પરિવાર માટે અનાજ ઉત્પન્ન કરતો હોઉં તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શા માટે ન હોય ? કોઈ પણ ફેક્ટરીનો માલિક પોતાના માટે માલ બનાવતો હોય તો તે ગુણવત્તાયુક્ત બનાવે જ બનાવે. આમ જોઈએ તો મારું ખેતર કે મારી જમીન અનાજ પકવતી ફેક્ટરી જ છે તો તેનું ઉત્પાદન પણ સારું જ હોવું જોઈએ, જેના કારણે મારા પરિવારના સભ્યોનું આરોગ્ય જળવાશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે, એટલે મેં વર્ષ ૨૦૧૩માં પ્રાકૃતિક ખેતી અંતર્ગત બંસી ઘઉંના વાવેતરનો પ્રયોગ કરેલો તેનું મને ખૂબ સારું પરિણામ મળ્યું. ત્યારબાદ મેં તરબૂચનું વાવેતર કર્યું તેનું પણ મને સારું પરિણામ મળ્યું.
‘‘હવે બંને ખેતીપદ્ધતિની તુલના કરીએ તો રાસાયણિક ખેતીમાં ઘઉંનો ઉતારો એકરદીઠ ૧૦૦ મણનો મળતો તેની સામે પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતથી જ ૧૦૦થી ૧૨૫ મણનો ઉતારો મને મળતો થયો છે. તેનું કારણ છે અમે દેશી બીજનો ઉપયોગ કરેલો, તેની પોષ્ટિકતાના કારણે તેના ભાવ પણ સારા મળે છે. દેશી બીજમાં એટલી બધી તાકાત છે કે એક મહિને પિયત આપીએ તો પણ વાંધો નહીં. જ્યારે રાસાયણિક ખેતીમાં ૧૫થી ૨૦ દિવસના અંતરે પિયત આપવી પડે.
“હવે ખર્ચની વાત કરીએ તો ઘઉંની રાસાયણિક ખેતીમાં એક એકરે બે બેગ એટલે કે ૧૦૦ કિ.ગ્રા. ડીએપીનો વપરાશ કરતા અને ૨૦૦ કિ.ગ્રા. જેટલું યુરિયા વાપરતા હવે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત કે ધનજીવામૃત સિવાય બીજી કોઈ જરૂર પડતી નથી, જમીનની ભેજ સંગ્રહશક્તિ વધી છે તેનાથી જમીનની ફળદ્રુપતા વધતી જાય છે. બિયારણ પણ અમારે ઘરનું છે જેનાથી ખૂબ સારા પરિણામ મળ્યાં છે. રાસાયણિક ખેતીના ઘઉં અમારે રૂ. ૩૦૦ના ભાવે વેચાતા જયારે પ્રાકૃતિક ખેતીના ઘઉં મણના રૂ. ૭૦૦ના ભાવે વેચેલા તેમાં બિલકુલ ખર્ચ હતો જ નહી, એટલે ૭૦થી ૮૦ટકા જેટલો ચોખ્ખો નફો. એટલે કે રાસાયણિક ખેતીમાં એકર દીઠ રૂ. ૩૦,૦૦૦ની આવક થયેલી, જેમાં ચાર હજારનો ખર્ચ થયેલો એટલે એકરદીઠ રૂ. ૨૬,૦૦૦નો નફો થયો. તેની સામે પ્રાકૃતિક ખેતીમાં કોઈ ખર્ચ લાગતો નથી, માત્ર હાર્વેસ્ટિંગનો ખર્ચ જ ગણવાનો, એટલે એકરદીઠ રૂ. ૭૦,૦૦૦ની આવક થઈ. જયારે મજૂરીખર્ચ માત્ર રૂ. ૨૦૦૦ એટલે એકરદીઠ રૂ. ૬૮,૦૦૦નો ચોખ્ખો નફો.


એસ.પી.એન.એફ. પદ્ધતિની જાણકારી મને સૃષ્ટિ સંસ્થા દ્વારા મળેલી, ત્યાર બાદ ૨૦૧૬માં ગાંધીનગર ખાતે શિબિર યોજાયેલી તેમાંથી મને ઘણી જાણકારી મળી અને ૨૦૧૩માં મેં નાના પ્લોટથી શરૂઆત કરેલી તેનો ૨૦૧૬ બાદ પ્રાકૃતિક ખેતીનો મારાં ખેતરોમાં વિસ્તાર કર્યાં. વર્ષ ૨૦૧૯માં વડતાલમાં આત્મા પ્રોજેક્ટ’ દ્વારા સુભાષ પાલેકરજીની પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાયેલી તેમાં પણ હું ગયો હતો. ત્યાર બાદ હું માસ્ટર ટ્રેનર બનેલો અને આજે હું બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપું છું. તેના  કારણે મારા ઉપરાંત અન્ય ત્રણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.હાલમાં હું બે ગાયથી ૨૨ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.
‘‘ચોમાસા દરમ્યાન અમે મગફળી અને અડદનું પણ વાવેતર કરીએ છીએ, ગયા વર્ષે અમે ૧૩ એકરમાં મગફળીનું વાવેતર કરેલું અને એકરદીઠ ૪૦થી ૪૫ મણનો ઉતારો આવેલો અને કુલ પ૨૦ મણ મગફળીનું ઉત્પાદન થયેલું આ મગફળીમાંથી કાચી ઘાણીમાં સિંગતેલ બનાવી મૂલ્યવર્ધન દ્વારા તેનું વેચાણ કરતાં ખૂબ સારા ભાવ મળ્યા. ૧૫ લિટરના ડબ્બાના રૂ. ૩૩૦૦થી ૩૫૦૦ ભાવે અમારી મગફળીના તેલનું વેચાણ ગયા વર્ષે થયું. ગયા વર્ષે મેં સિંગતેલના ૨૧૩ ડબ્બાનું વેચાણ કરેલું કુલ રૂ. ૭ લાખની આવક મને ગયા વર્ષે સિંગતેલના વેચાણમાંથી થઈ. રાસાયણિક પદ્ધતિથી જો મગફળી પકવી હોત તો ઉત્પાદન તો કદાચ આટલું મળે પણ ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ જેવા ખર્ચ એટલા બધા હોત કે તેમાં નફાનું પ્રમાણ સાવ ઘટી ગયું હોત.’’
પ્રાકૃતિક ખેતીમાં જો મહત્તમ આર્થિક ફાયદો મેળવવો હોય તો મૂલ્યવર્ધન એક મહત્ત્વનું પરિબળ છે તેમાંય મગફળીમાં તો ખાસ. રાસાયણિક ખેતીની મગફળીની તુલનામાં પ્રાકૃતિક ખેતીની મગફળીનું સિંગતેલના રૂપે જો મૂલ્યવર્ધન થાય તો ખેડૂતને તુલનાત્મક દષ્ટિએ વધુ ભાવ મળે છે તે સૌરાષ્ટ્રમાં તો પ્રાકૃતિક મગફળી પકવતાં અનેક ખેડૂતોના કિસ્સામાં જોવા મળ્યું છે. પ્રવીણભાઈએ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કર્યું છે, મૂલ્યવર્ધન પણ કર્યું છે અને જે તે કૃષિપેદાશની પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અંતર્ગત માવજત કરીને રાસાયણિક ખેતીની તુલનામાં બમણી આવક પણ મેળવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લાના કક્ષા નો ઇડર તાલુકામાં આર્ટ્સ-કોમર્સ…

1 of 578

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *