કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સમગ્ર વિશ્વમાં 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સમાજમાં સારી કામગીરી કરના મહિલાઓનું સન્માન કરાય છે ત્યારે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશા બહેનોને પડતી મુશ્કલીઓ તેમજ તેમની 10 જેટલી માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લામાં ફરજ બજાવતી આરોગ્ય કાર્યકર મહિલાઓમાં મહિલા દિન નિમિત્તે રોષ જોવા મળ્યો હતો, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસાના ભામાશા હોલ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી બાજી કલેક્ટર કચેરી ખાતે મહિલાઓ પોતાના હક્ક માટે રાહ જોતી રહી.
મોટી સંખ્યામાં આશા બહેનો મોડાસા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઇ હતી અને મહિલા એકતાના સુત્રોચ્ચાર કર્યા હતા, જેમની મુખ્ય દસ માંગણી હતી કે, આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોને વર્ગ 4 નું કાયમી મહેકમ ઊભુ કરી કાયમી કરવામાં આવે, શોષણ બંધ કરવામાં આવે અને સાતમા પગાર પંચ મુજબ લાભ, પ્રસુતિના સમયગાળા દરમિયાન મેટરનિટિ લીવ, પેન્શન યોજનાનો લાભ, અનુભવના આધારે એપ.એચ.ડબલ્યુમાં સમાવેશ કરવો,તમામ સગર્ભા એ.એન.સી.નું મહેનતાણુ ચુકવવું, વિધાનસભામાં રજૂ થતાં બજેટમાં આશા વર્કર તેમજ આશા ફેસિલિટેટર બહેનો માટે પગાર વધારો જાહેર કરવો, દર વર્ષે ગણવેશ અને વીમાનો લાભ, સરકાર દ્વારા ઓળખકાર્ડ સહિતની દસ જેટલી માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.