૨૧ થી ૨૭ માર્ચ દરમિયાન યોજાનાર સ્પર્ધામાં ૦ થી ૬ વર્ષના તમામ બાળકોને આવરી લેવાશે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
પોતાનાં બાળકની પોષણની સ્થિતિ સુધારવા માટે માતા-પિતા વાલીઓમાં સ્પર્ધાત્મક લાગણી ઉત્પન્ન થાય અને કોમ્યુનીટી મોબીલાઈઝેશનની સાથે લોકોમાં જાગૃતિ લાવવાના ખ્યાલ સાથે ભારત સરકાર દ્વારા ૦ થી ૬ વર્ષનાં બાળકો માટે “સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધાનું સમગ્ર ભારતમાં આયોજન હાથ ધર્યુ છે.
જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ તા.૨૧ થી ૨૭ માર્ચ-૨૦૨૨ સુધી સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા યોજાશે. જેમાં આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ બાળકોનું મહિનાનાં બીજા મંગળવારે વજન-ઉંચાઈ કરવામાં આવે છે જેથી બાળકની પોષણની સ્થિતિ જાણી શકાય અને ઓછું પોષણ હોય તેવા બાળકોને યોગ્ય પોષણક્ષમ આહાર આપી પોષિત બનાવી શકાય. આ ઉપરાંત “સ્વસ્થ બાલક બાલિકા સ્પર્ધા” અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમા ન નોંધાયેલા હોય તેવા તમામ બાળકો જેવા કે ખાનગી-સરકારી શાળામાં જતાં, ખેત-મજુર વર્ગ, કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા મજુર વર્ગના બાળકો અન્ય મજુર વર્ગના બાળકો, આશ્રિતગૃહો તથા અનાથઆશ્રમના બાળકો, અસ્થાયી વસ્તી વગેરેનાં ૦ થી ૬ વર્ષનાં બાળકોનું તા.૨૧ થી ૨૭ માર્ચ દરમ્યાન વજન-ઊંચાઈની માપણી કરવામાં આવશે.
જેમાં ભારત સરકારશ્રીની પોષણ ટેકર એપ્લીકેશનમાં તેની એન્ટ્રી કરવામાં આવશે, પોષણ ટેકર એપ્લીકેશનમાં માત્ર આંગણવાડી કાર્યકર જ નહીં પરંતુ, માતા, પિતા, વાલી તથા વિવિધ વિભાગો પોતાનો સહયોગ આપી બાળકોનું વજન-ઊંચાઈ કરી આ એપ્લીકેશમાં એન્ટ્રી કરી પોષણની સ્થિતિ જાણી શકાશે તથા તંદુરસ્ત બાળક હોવા અંગેનું પ્રમાણપત્ર પણ મેળવી શકાશે.
આ સ્પર્ધામાં માતા-પિતા અથવા વાલી દ્વારા પોતાના ૦ થી ૬ વર્ષના બાળકોનું વજન અને ઉંચાઈ આંગણવાડી કાર્યકર પાસે અથવા જાતે પોતાના મોબાઈલમાં GOOGLE PLAY STORE પરથી મહિલા અને બાળ વિકાસની માન્ય એપ્લીકેશન “POSHAN TRACKER” ઈન્સ્ટોલ કરી “PARENT & GUARDIAN” મેનુમાં મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરીને બાળકના વજન અને ઊંચાઈની માહિતી દાખલ કરી પોતાના બાળકની પોષણની સ્થિતિ જાણી શકે છે. તેવું જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવામાં આવ્યું છે.