રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે ૬૯૩૫ બાળકોને વેક્સિનેશનથી રક્ષિત કરાયા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યમાં ૧૨ થી ૧૪ વય જુથના બાળકોનું કોવિડ વેકસીનેશનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૬૯૩૫ બાળકોને વેક્સિનેશનથી રક્ષિત કરવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના ૨૪૮ કેન્દ્રો પર આરંભાયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના ૪૦,૦૦૦થી વધુ બાળકોને આવરી લેવાની આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જેમાં આરોગ્ય વિભાગની ૨૪૮ ટીમો દ્રારા કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ વેકસીનેશન શેસનમાં જિલ્લાના ૬૯૩૫ વિધાર્થીઓએ નવી કાર્બેવેક્સ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શ્રીમાળી અને આરોગ્ય વિભાગની ટીમ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ રસીકરણ સ્થળોની રૂબરૂ મુલાકાત લઇ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
અરવલ્લી જિલ્લામાં તાલુકાવાર આવરી લેવાયેલા બાળકોની સંખ્યા જોઇએ તો બાયડ તાલુકામાં ૧૩૧૪ ભિલોડામાં ૧૩૬ મોડાસામાં ૧૮૪૯ ધનસુરામાં ૧૩૪૦ મેઘરજમાં ૧૬૬૮ માલપુરમાં ૬૨૮ મળી કુલ ૬૯૩૫ દિકરા-દિકરીઓને રસી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલિયો રસીકરણ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓને મોડાસાની કે.એન.હાઈસ્કૂલ ખાતે તેમજ અન્ય તાલુકા મથકે સન્માનિત કરવામાં આવ્યા હતા.