કલેકટરશ્રી જીલ્લા વિકાસ અધિકારીશ્રીના વરદ્દ હસ્તે સહાય પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો. રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને ૧.૮૪ લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરાઇ. તેમજ રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએ સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચૂકવવામાં આવી હતી.
જે અંતર્ગત અરવલ્લી મોડાસાના કલેકટર કચેરી વીસી રૂમ અને જિલ્લા પંચાયત વી સી રૂમ ખાતે કાર્યક્રમનું આયોજન જિલ્લા ક્લેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીના તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શ્વેતા તેવટિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
જેમાં કૃષિ વિભાગની સ્માર્ટ ફોન સહાય યોજનાના સહાય વિતરણ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાં કુલ 198 ખેડૂતોને સહાય આપવામાં આવી. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૧૦૦ લાભાર્થી ખેડૂતો જોડાયા હતા.
જિલ્લા કલેકટરશ્રી તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ધરતીપુત્રોને આ યોજનાના સહાય પેમેન્ટ ઓર્ડર વિતરણ કરાયા.