Breaking NewsLatest

જામનગરમાં બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાયું.

જામનગર: સંયુક્ત સચિવ (BRO & Cer) અને નવી દિલ્હી સ્થિત સંરક્ષણ મંત્રાલયના સૈનિક સ્કૂલ સોસિયટીના માનદ સચિવ શ્રી સતીશ સિંહ તેમજ સૈનિક સ્કૂલ સોસાયટીના ઇન્સ્પેક્ટિંગ ઓફિસર બ્રિગેડિયર (Dr) પી.કે. શર્માએ 21 ઓક્ટોબર 2021ના રોજ જામનગર સ્થિત બાલાચડી સૈનિક સ્કૂલની મુલાકાત લીધી હતી. શાળાના આચાર્યએ અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના આગમન પ્રસંગે, મુખ્ય અતિથિ શ્રી સતીશ સિંહે, શૌર્ય સ્તંભ – યુદ્ધ શહીદ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને રેતીમાંથી બનાવેલા મોડેલ દ્વારા તેમને શાળા તેમજ આસપાસના ક્ષેત્રો વિશે માહિતી આપવામાં આવી હતી.

જામનગરમાં બાલાચડી સૈનિક સ્કૂલ ખાતે મુખ્ય અતિથિ શ્રી સતીશ સિંહે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું હતું જ્યારે બ્રિગેડિયર (Dr) શર્મા પણ આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે આવકાર સંબોધન આપ્યું હતું અને જામનગર બાલાચડી સૈનિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી કોલોનલ હરેશ પ્રહલાદભાઇ પટેલ, SMની સ્મૃતિમાં તેમના નાના ભાઇ અને બાલાચડી સૈનિક સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. કિરિટ પ્રહલાદભાઇ પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી માટે 32 કોમ્પ્યૂટરનું દાન આપ્યું તે બદલ દિલથી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વિશેષ દિવસ નિમિત્તે, મુખ્ય અતિથિએ શાળાના પ્રથમ ડિજિટલ સામયિક – ‘સંદેશક 2020-21’નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન આપતા મુખ્ય અતિથિએ સૈનિક સ્કૂલના વિદ્યાર્થી હોવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો કારણ કે સૈનિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી તાલીમ અને શિક્ષણ તેમને જીવનમાં અને કોઇપણ કારકિર્દી પસંદ કરે તેમાં આગળ વધવા માટે મદદરૂપ થાય છે. તેમણે કહ્યું હતું કે, આજે પણ તેમને રીવા સૈનિક સ્કૂલમાં શિક્ષકોએ જે કંઇ ભણાવ્યું હતું તે યાદ છે અને તે મૂલ્યો તેમજ તાલીમ કેવી રીતે તેમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થયા તેની માહિતી આપી હતી. તેમણે શાળાના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સને NDAમાં મહત્તમ સંખ્યામાં વિદ્યાર્થીઓની ભલામણ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વિશેષ અતિથિ બ્રિગેડિયર (Dr) શર્માએ પોતાના સંબોધન દરમિયાન, વિદ્યાર્થી જીવન દરમિયાન શિસ્ત પાલનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો જે હંમેશા સૈનિક સ્કૂલોમાં શીખવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, સંરક્ષણ ગણવેશ જે આદરભાવ આપે છે તે બીજે ક્યાંયથી મેળવી શકાતો નથી. તેમણે કેડેટ્સને સંરક્ષણ દળોમાં જોડાવા માટે અને રાષ્ટ્રની સેવા કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
બાલાચડી સૈનિક સ્કૂલના ઉપાચાર્ય લેફ્ટેનન્ટ કમાન્ડર મનુ અરોરાએ આભાર વચન રજૂ કર્યા હતા.
અંતે, મુખ્ય અતિથિએ શાળાના સંકુલમાં વિચરણ કર્યું હતું જ્યાં તેમણે નેતાઓની ગેલેરી, નવનિર્મિત સરદાર પટેલ છાત્રાલય અને અન્ય સ્થળોની મુલાકાત લીધી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 686

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *