Breaking NewsLatest

ત્રણ બહેનોના એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદોને અંગો અર્પણ કરી “વીરોનો વીર” બન્યો

અમદાવાદ: કાળનો અણધાર્યો પ્રહાર કોઇએ થતો જોયો છે? માણસ ધારે તો કાળની થપાટમાં સ્વજન ગુમાવનારા આપ્તજનો પોતાના વ્હાલામાં વ્હાલા સ્વજનની યાદને અંગદાન દ્વારા ચિરસ્મરણીય બનાવી શકે છે. આવો જ એક કરૂણતામય કિસ્સો તલોદ તાલુકામાં જોવા મળ્યો, જેમાં ત્રણ બહેનોના એકનો એક વીરો મૃત્યુ પછી જરૂરિયામંદોને અંગો આપીને “વીરોનો વીર” બન્યો છે. ત્રણેય બહેનોએ પોતાના એકના એક મૃતક ભાઈના અંગોનું અંગદાન કરીને અન્ય પાંચને જીવનદાન આપ્યું છે. જેણે આ કિસ્સો સાંભળ્યો એ મૃતકની બહેનોની ભાવનાને બિરદાવવાનું ચૂક્યા નથી.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી. નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતો. હંમેશા બીજાની વ્હારે અને મદદે જનારા મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી. જીવનમાં હજૂ તો પોતાની પ્રિયતમાનો હાથ હાથમાં લઇને સજોડે ડગ માણીને સાંસારિક જીવનની શરૂઆત કરવાની હતી.

ત્રણ બહેનો તેમના એકના એક માડીજાયા ભાઈ એવા મેહુલભાઈના લગ્નમાં શું પહેરશું? કેવા મહાલીશું? ભાભીને કેવી રીતે ઘરે લાવીશું? પરિવારની કઇ વ્યક્તિ શું પહેરશે તેના આયોજનમાં ગળાડૂબ થઈ ગઈ હતી. પરંતુ વિધાતાએ મેહુલભાઈનું ભાવિ કંઈ અલગ જ લખ્યું હતું. 13 ડિસેમ્બરે તલોદ રોડ પર અકસ્માત થતા મેહુલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.

મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO (State Organ Tissue Transplant Organisation) ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી.

બ્રેઇનડેડ થયેલા મેહુલભાઈના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે. મેહુલના અંગોના દાન થકી અન્ય 5 વ્યક્તિઓને જીવતદાન મળવા જઇ રહ્યું છે.

અંગદાન વિશેની સમગ્ર વિગતો આપતા ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલને રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 355 દિવસમાં હોસ્પિટલમાં 24 અંગદાનમાં સફળતા મળી છે. અત્યારસુધીમાં 24 વ્યક્તિઓના 81 અંગોના દાન થકી 68 વ્યક્તિઓને નવજીવનન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક અંગદાનની જાગૃકતા અને સફળતા માટે કામગીરી કરી રહી છે. જેના પરિણામે આજે સમગ્ર શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધાર થઇ રહ્યો છે. આજે બ્રેઇન ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી કરી રહ્યા છે.

કાળનો પ્રહાર જ્યારે થવાનો હોય છે ત્યારે કોઇને અગાઉથી કંઈ જ ખબર પડતી નથી અને અચાનક અનેક લોકોના ચાહીતા, માનીતા અને હૃદયના ટૂકડા જેવા લોકો ક્ષણવારમાં સંસાર છોડીને અનંતની વાટ પકડી લેતા જોવા મળે છે. પણ આવા કમનસીબ લોકોના અંગોનું દાન કરીને તેમની યાદોને અવશ્ય ચિરસ્મરણિય બનાવી શકાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 687

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *