ભિલોડાના ખુમાપુરમાં ધઉંના ખેતરમાં વીજ થાંભલા પર શોર્ટ સર્કિટથી ખેડુતને અંદાજીત ₹ એક લાખ નું નુકસાન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ખુમાપુર ગામના સીમ વિસ્તારમાં વીજ થાંભલાની ઝુલતા મીનારા જેવી વીજ લાઈનો ઠેર ઠેર સીમાડાઓમાં જોવા મળે છે.ઉનાળાની સિઝન દરમ્યાન કોઈ પણ અગમ્ય કારણોસર યુ.જી.વી.સી.એલ ની વીજ પ્રવાહની વીજળીની લાઈનમાંથી ભરબપોરે વીજ તણખલા ઝરતા શોર્ટ શર્કિટ દરમ્યાન ખુમાપુર ગામના સીમ વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત રાજેશભાઈ દેવજીભાઈ પટેલના ખેતરમાં તૈયાર થયેલા પ્લોટના ધઉં અંદાજીત 150 મણથી વધુ ધઉં અને સુકો ધાસચારો (હુંસેલ) આગની જવાળાઓમાં પલભરમાં ભસ્મીભુત થઈ ગયું હતું.સીમ વિસ્તારમાં એકા-એક આગ ભભુકી ઉઠી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે આગની જવાળાઓના ગોટે ગોટા દુર-દુર સુધી પ્રસરી ગયા હતા.આજુ-બાજુ વિસ્તારમાં ખેતરો ધરાવતા ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ખેડુતો,પશુ પાલકો અને શ્રમજીવીઓ ધટના સ્થળ પર તાબડતોડ ભેગાં થઈ હતા.
સામાજિક કાર્યકરો સંકેત ચૌધરી , ધાર્મિક ચૌધરી સહિત જાગૃત ખેડુતોએ જણાવ્યું હતું કે , ભિલોડા યુ.જી.વી.સી.એલ ના જવાબદાર અધિકારીઓ અને બે-નંબરીયા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે અનેક ખેડુતો ભુતકાળમાં નુકસાન ભોગવી ચુક્યા છે ત્યારે આજે ખુમાપુર ગામમાં ખેડુતોના હાથમાં આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડુતને વ્યાપક નુકસાન થયું હોય ત્યારે માથે પોંક મુકીને રોવાનો વારો આવ્યો છે.
ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત :- અરવલ્લી જીલ્લાના છેવાડે આવેલ ભિલોડા તાલુકાનો સમગ્ર વિસ્તાર ભૌગોલિક રીતે ધણો મોટો અંતરિયાળ ડુંગરાળ વિસ્તાર ધરાવતો ટ્રાઈબલ વિસ્તાર છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે અવાર-નવાર ભિલોડા તાલુકામાં કોઈ જગ્યાએ ઠેર – ઠેર આગ ભભુકી ઉઠે ત્યારે હિંમતનગર,મોડાસા,ઈડર,બાયડ થી ફાયર બ્રિગેડની ટીમ બોલાવી પડતી હોય ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ધટના સ્થળ પર આવે ત્યાં સુધીમાં મોટા પાયે નુકસાન પુર્ણ થઈ જતું હોય છે.વર્ષો જુની માંગણી છે કે , ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડની ટીમનું સ્ટેશન ફાળવવા સંદર્ભે વારંવાર રજુઆતો છતાં પરીણામ શુન્ય છે.